(એજન્સી) લખનૌ, તા.૧૨
“નેમ એન્ડ શેમ” ધરાવતા હોર્ડિંગોને દૂર કરવા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદામાં દરમિયાનગીરી કરવા ઈનકાર કરી વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ મોકલી આપી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પોતાની પ્રતિક્રિયા આપતા સદફ જાફરે કહ્યું કે, જ્યારથી આ હોર્ડિંગો લખનૌમાં મૂકાયા છે. ત્યારથી અમને ખબર હતી કે, આ હોર્ડિંગો મૂકવા માટે કોઈ કાયદાકીય અથવા નૈતિક અધિકાર સરકારને નથી. હાઈકોર્ટે આ બાબત ધ્યાનમાં લઈ પોતાની મેળે સુનાવણી હાથ ધરી. જેથી સ્પષ્ટ છે કે, આ મુદ્દો ગંભીર છે. કારણ કે અમારા ગોપનીયતાના અધિકારનો ભંગ થયો છે અને વધુમાં અમારા જીવ સામે પણ જોખમ ઊભું થયું છે. સદફે કહ્યું કે, આ લડાઈ ફક્ત એ પ૮ લોકો માટે નથી. જેમના નામો અને વિગતો દર્શાવાઈ છે. પણ હવે લડાઈ બંધારણ અને કાયદાના શાસન વિરૂદ્ધ ઉત્તરપ્રદેશ સરકાર સામે છે. અમને જે નુકસાન થઈ રહ્યું છે. એની ભરપાઈ થઈ શકે નહીં. ભલે હોર્ડિંગો ઉતરી જશે પણ અમારા જીવ સામે જોખમ ચાલુ જ રહેશે. આ લડાઈ અમારા ભવિષ્ય માટે છે. એ માટે સરકારે કોઈનું જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં. બંધારણ જ સર્વોપરી છે, જે ફક્ત સુપ્રીમ કોર્ટ જ પૂરવાર કરી શકે છે. સદફ જાફર એક શિક્ષિકા છે. જેનું નામ પણ આ હોર્ડિંગોમાં દર્શાવાયું છે.