(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
ગુજરાત સરકાર રાજ્યના શિક્ષણ સ્તર અંગે ભલે મોટા મોટા અને ખોટા ખોટા દાવાઓ કરતી હોય પરંતુ નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના નેશનલ એચિવમેન્ટ સર્વેના પરિણામોમાં આ દાવાઓનો પર્દાફાશ કરી નાખવામાં આવ્યો છે. જેમાં ધો.૩,પ અને ૮ના પર્યાવરણ, રીડીંગ કમ્પ્રીહેશન, ગણિત અને સામાજિક વિજ્ઞાનના વિષયોમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ચિંતાજનક જોવા મળ્યું છે જ્યારે ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ શાળાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના વિવિધ વિષયના રાષ્ટ્રીય સરેરાશમાં નવા પરિણામ માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર છે.
ગુજરાતના શિક્ષણની અધોગતિ માટે શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે વર્ગખંડમાં જે રીતે હાલ શૈક્ષણિક કાર્ય ચાલે છે. તેમાં બદલાવની મોટી જરૂરત છે. ધો.૧૦ અંગે નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણું જ નીચું છે. ગુજરાતના શૈક્ષણિક સ્તર માટે ઘણો જ ચિંતાનો વિષય છે.
એનસીઈઆરના નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધો.૧૦ના વિદ્યાર્થીઓના અંગ્રેજીમાં રરપ, ગણિતમાં ર૩૧, વિજ્ઞાન રર૮, સામાજિક વિજ્ઞાનમાં ર૩૩ અને ગુજરાતીમાં ર૩પ પોઈન્ટ પરિણામ છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ અંગ્રેજીમાં ગ્રામ્યમાં ર૪૪ શહેરીમાં ર૬૩, ગણિતમાં ગ્રામ્યમાં ર૪૮ શહેરીમાં રપ૬, વિજ્ઞાનમાં ગ્રામ્યમાં ર૪૬ શહેરીમાં રપ૭, સામાજિક વિજ્ઞાનમાં ગ્રામ્યમાં ર૪૭ શહેરીમાં રપ૭ અને ગુજરાતીમાં ગ્રામ્યમાં ર૪૪ શહેરીમાં ર૬૩ પોઈન્ટનું પરિણામ છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓના નબળા પરિણામ માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર છે.
રાજ્યમાં છેલ્લા રર વર્ષથી ભાજપ શાસનમાં શિક્ષણનું સ્તર ગંભીર રીતે કથળી ગયાના રાષ્ટ્રીય સર્વેના પરિણામો ચોંકાવનારા અને ગુજરાત માટે સંપૂર્ણપણે શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવવી આવશ્યક છે. રાજ્યમાં એક તરફ બેરોકટોક ખાનગી સંસ્થાઓ આડેધડ ખુલી રહી છે ત્યારે બીજી તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના માળખાઓને તોડી નાખવા સરકાર સતત નિર્ણયો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકર શું શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરશે ? શિક્ષકોની પુરા પગાર સાથે નિમણૂક આપવા માંગે છે. વિદ્યાસયહાકોને પુરો પગાર આપીને આર્થિક શોષણમાંથી મુક્તિ આપવા માંગે છે ? વર્ગખંડમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા માટે કોઈ પ્રયત્ન કરવા માંગે છે ? સુધારાલક્ષી કોઈ પગલાં ભરવા માંગે છે ? ટિચીંગ લર્નિંગ મેથડમાં કોઈ બદલાવ કરવા માંગે છે ? તથા માળખાગત પુરતી સુવિધા માટે રાજ્ય સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે ? તેનો જવાબ આપે.