(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૩
આજે ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું નવી દિલ્હી ખાતે એલાન કરવામાં આવ્યું હતું. અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનાં પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. તો ‘ન્યૂટન’ ફિલ્મમાં અભિનય કરનાર પંકજ ત્રિપાઠીને પણ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિનેતા વિનોદ ખન્નાને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે સમ્માન આપવામાં આવ્યું છે. ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિના ચેરમેન અને જાણીતા નિર્દેશક શેખર કપૂરે કરી હતી. તમામ વિજેતાઓને ત્રણ મેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરશે. તો ‘બાહુબલી-૨’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ના ગીત ‘ગોરી તું લઠ્ઠ મારકે’ માટે ગણેશ આચાર્યને બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘ઇરાદા’ માટે દિવ્યા દત્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને અલી અબ્બાસ મોગલને ‘બાહુબલી-૨’ માટે બેસ્ટ એક્શન ડાયરેક્શન માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ સિવાય મરાઠી ફિલ્મ ‘કચ્ચા લિંબૂ’ને સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, મરાઠી ‘મોરક્યા’, ઉડિયા ફિલ્મ ‘હેલ્લો આર્સી’ અને મલયાલમ ફિલ્મ ‘ટેકઑફ’ને સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘મયૂરાક્ષી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ બાંગ્લા ફિલ્મ માટે નેશનલ ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મણિરત્નમની ફિલ્મ Kaatru Veliyidai’ માટે એ.આર. રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.