જસદણ, તા.ર૩
જસદણના એક શિક્ષિત વૃદ્ધે રમત-ગમતમાં અવ્વલ નંબર મેળવતા જસદણવાસીઓ પોતાના શર્ટનો કોલર ઊંચો રાખી શકે એવા સંજોગો સર્જાયા છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા હોય ત્યારે મોટાભાગના ઘરમાં બેસી રહે છે. એમાંય કેટલાક તો પથારીમાં અને દવા સાથે જિંંદગી જીવી રહ્યા છે. આવા માહોલ વચ્ચે જસદણમાં તા.૮ ઓકટોબર ૧૯૩૭માં જન્મેલા નિર્વ્યસની અને શિક્ષિત બાબુભાઈ સરઘારાએ તાજેતરમાં મેંગ્લોર ખાતે રમાયેલ ૩૮મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશિપ-ર૦૧૮માં ઊંચી કૂદમાં અનેક સ્પર્ધકોને પાછળ રાખી પ્રથમ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બાબુભાઈ સરઘારાએ વિદ્યાર્થી કાળથી પ્રથમ ૧૯પરની સાલમાં જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ભાવનગર શહેરની એક સ્પર્ધામાં અનેક હરિફોને પછડાટ આપી વાંસકૂદમાં ત્યારના રાજવી કૃષ્ણકુમારસિંહજીના હસ્તે ઈનામ મેળવ્યા બાદ તેમણે વાંસકૂદ, લાંબીકૂદ અને ઊંચી કૂદના અનેક મેડલો, સર્ટિફિકેટ મેળવવા પાછું વળીને જોયું નથી. તેમના ઘેર મેડલો, ટ્રોફી અને સર્ટિર્િફકેટનો ઢગલો છે. આ રમત માટે તેમણે ભારતમાં પોંડિચેરી, મદ્રાસ, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસુર, મેંગ્લોર, બેંગ્લોર, નાસિક, થાણા, લખનૌ ભોપાલ, જયપુર અને વિદેશમાં મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા જેવા દેશોનો પ્રવાસ કરી સિનિયર સિટીઝનની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એકપણ વ્યસન ન ધરાવતાં બાબુભાઈ હાલ શિક્ષકથી નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે પણ તેઓ નિયમિત આહાર ઉપરાંત સવારે ચાલવા માટે જાય છે. યુવાનોને પણ શરમાવે તેવી ગજબ સ્ફૂર્તિ ધરાવતાં બાબુભાઈ પટેલ હવે રમત ક્ષેત્રે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે પણ હજુ નિવૃત્ત થયા નથી. તેઓએ જણાવ્યું કે વ્યસન અને બહારના ખોરાકથી દૂર રહો અને ચાલવુ, કસરત કરો તો જ તમારૂં શરીર સ્વસ્થ રહેશે. શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને જીવનમાં દેશ માટે પોતાના ગામ પ્રત્યે કંઈક કામ કરો !