૧૪ વર્ષની છોકરીને ૮ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી ડામ દીધા
(એજન્સી) નોઈડા, તા.૧
ચૌદ વર્ષની એક છોકરીને નોઈડા પોલીસ સ્ટેશનમાં ૮ દિવસ સુધી અટકાયતમાં રાખવા બદલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે મીડિયાના રીપોર્ટ બાદ યુપીના ડીજીપીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
એક અંગ્રેજી અખબારે તેના અહેવાલમાં કહ્યું છે કે છોકરીને અટકાયત દરમ્યાન માર માર્યો હતો તેમજ સીગારેટ ચાંપી કરંટ અપાયો હતો. છોકરી પર તેના કર્મચારીના ચોરીના આરોપ બાદ તેની પોલીસે અટકાયત કરી હતી. કમિશને કહ્યું કે મીડિયા રીપોર્ટ મુજબ જો આ ઘટના સાચી હોય તો તે પોલીસની ક્રૂરતાનો સંકેત આપે છે. પોલીસ દ્વારા આવા અમાનવીય કૃત્યને સાંખી લેવાય નહી. કાયદો દેશના નાગરિકો પર જુલમ કરવાનો પોલીસને સત્તા આપતો નથી. ચાર અઠવાડિયામાં રીપોર્ટ રજૂ કરવા કમિશને ડીજીપીને આદેશ આપ્યો છે. છોકરીને ૧૬ મે એ અટકાયત કરી હતી પરંતુ છોડી દીધા બાદ પુનઃ અટકાયત કરી તેની સાથે તેના ભાઈની પણ ધરપકડ કરી હતી. રર મેના રોજ એનજીઓની દખલ બાદ તેમને છોડાયા હતા. બચપન બચાવો આંદોલને મદદ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિશને છોકરીનું મેડિકલ કરાવવા આદેશ આપ્યો છે. તેના પગે અને હાથે ડામના ડાઘ છે.