(એજન્સી) નોએડા, તા.૬
દિલ્હીના નોએડામાં આવેલ એક પ્રખ્યાત સ્કૂલની બેદરકારી પ્રકાશમાં આવી છે. નોએડાની સૌથી મોંઘી સ્કૂલ સ્ટેપ બાય સ્ટેપમાં ગુરૂવારે બપોરે ઝેરી ખોરાક ખાવાથી ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા છે. જો કે, શાળાએ ર૦ બાળકો બીમાર થયા હોવાની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થીઓને નોએડા અને દિલ્હીની જુદી-જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીએ શાળા સંચાલન વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. અહેવાલ મુજબ બીમાર વિદ્યાર્થીઓને નોએડાના જેપી, મૈક્સ અને દિલ્હીના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરી ન્યાય ખાદ્ય અધિકારીની ટીમ તપાસ કરવા પહોંચી ત્યારે તેમને બે કલાક સુધી શાળા પરિસરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહીં. જિલ્લા અધિકારી બીએન સિંહે જણાવ્યું કે શાળા સંચાલને વિધિસરની કાર્યવાહીમાં અવરોધ ઊભા કરવા પ્રયત્નો કર્યા હતા. શાળા વહીવટ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શાળાની રસોઈમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તપાસ માટે લખનૌ મોકલવામાં આવશે. શાળામાં ભોજન બનાવનાર કંપની સોડેકસો ફૂડની પ્રવકતા સોનલ શાહે કહ્યું કે વિદ્યાર્થીઓ ખાવાનું ખાઈને બીમાર પડયા છે. અમારી વ્યવસ્થામાં કેવા પ્રકારની ભૂલ થઈ છે એની તપાસ ચાલી રહી છે. સોનલ શાહે ખોરાકમાં બહારથી ભેળસેળની શંકા વ્યક્ત કરી હતી. જિલ્લા ખાદ્ય અધિકારી સંજય શર્માએ જણાવ્યું કે, શાળામાં બહારથી ખાદ્ય પદાર્થ લાવવાની મનાઈ છે. બધા જ બાળકો શાળામાં જમે છે. અહેવાલ મુજબ શાળા વહીવટીએ આ મામલે પોલીસ વહીવટની તપાસ ટીમને સહયોગ આપ્યો નથી. રાત્રે નવ વાગ્યા સુધી તપાસ ટીમને શાળાની બહાર ઊભા રહેવા પડ્યું હતું. તેમ છતાં શાળામાં પ્રવેશવા દેવામાં રોક લગાવી દેવામાં આવી. પોલીસ અનુસાર પોલીસને શાળાના બાળકો પરોઠા ખાઈને બીમાર પડ્યા હોવા અંગેની મીડિયા દ્વારા જાણકારી મળી. પોલીસે શાળા વહીવટ પાસે માહિતી મેળવવા પ્રયાસ કર્યો પરંતુ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી. અહેવાલ મુજબ તબિયત લથડતાં સ્કૂલમાં ઈલાજ ચાલુ હોવાના કારણે મોડા પડવાના હતા આથી સ્કૂલ વહીવટે મજબૂરીમાં બાળકોના વાલીઓને માહિતગાર કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, શાળાના વહીવટી તંત્રએ આ મામલે મીડિયા સાથે વાતચીત નહીં કરવા વિદ્યાર્થીઓના માતા-પિતાને ધમકી આપી હતી. સ્કૂલ પ્રશાસને જણાવ્યું કે, વાલીઓ આ મામલે કોઈપણ પ્રકારની જાણકારી કે ફરિયાદ પણ દાખલ કરશે તો તેમના બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે. અહેવાલ મુજબ શાળાની વેબસાઈટ પરના તમામ નંબરો બંધ કરી દેવામાં આવ્યા છે. બાળકોને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાંથી પણ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.