(એજન્સી) તા.૧ર
કોરોના મહામારીના પગલે નોકરી ગુમાવી દીધા બાદ પોતાના વતન ભારત પાછા ફરવું કે ન ફરવું તે પ્રશ્ન વિદેશમાં વસતા ભારતીયોને કોરી ખાય છે એમ ગોવા અને કર્ણાટક પ્રદેશના વિદેશોમાં વસતા ભારતીયોના હિતોની રક્ષા કરતાં શુભમસિંઘે કહ્યું હતું. કોરોના મહામારી દરમ્યાન વિદેશોમાં વસતા ભારતીયોને જે પ્રશ્નો સૌથી વધુ સતાવતા હતા તે પૈકી મોટાભાગના પ્રશ્નો તેઓની નોકરી ગુમાવવા સંબંધી હતા, કેમ કે તેઓના નોકરીદાતાઓએ તેમના વેપાર ધંધા બંધ કરી દીધા હતા. ત્યારબાદ સલામત રીતે ભારત પાછા ફરવું તે પ્રશ્ન પણ તેઓને સતાવી રહ્યો છે. વિદેશોમાં વસતા ભારતીયોની આ પ્રાથમિક સમસ્યાઓ છે એમ સિંઘે આઇએએએસ સમાચાર સંસ્થાને કહ્યું હતું. જો કે મોટાભાગના કિસ્સાઓમાં નોકરી ગુમાવનારા ભારતીયોને સલામત રીતે વતન પાછા ફરવામાં તેઓના નોકરીદાતાઓએ અથવા તો નોકરીઓ અપાવતી એજન્સીઓએ મદદ કરી હતી, જો કે કેટલાક કિસ્સાઓમાં એજન્સીઓ મદદ કરવાનો ઈન્કાર પણ કરી દીધો હતો, અને એવા સમયે અમે એજન્સીઓને સમજાવી હતી અને ભારતીયોને મદદ કરવા વિનંતી કરી હતી. જે ભારતીયો વતન પાછા ફરવા માંગતા હતા તેઓની મુસાફરી સરળ બનાવવામાં અમે જે તે દેશમાં ભારતની એલચી કચેરીની સાથે રહીને તેઓને મદદ કરી હતી. પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ નામની અમારી સંસ્થા ઇમિગ્રેશન એક્ટ-૧૯૮૩ અંતર્ગત કામ કરી છે જેનો મુખ્ય હેતુ વિદેશ જતાં અથવા વિદેશોમાં કામ કરતાં ભારતીયોને મદદ કરવી, સલાહ આપવી અને તેઓના હિતોનું રક્ષણ કરવાનો છે. તે ઉપરાંત અમારી સંસ્થા વિદેશ જવા ઇચ્છતા ભારતીયોને ઇમિગ્રેશનની પ્રક્રિયા કાયદાકીય રીતે પૂર્ણ થાય તે માટે જરૂર તમામ પ્રકારની સરળતા પણ કરી આપે છે એમ સિંઘે કહ્યું હતું.
અમારી સંસ્થા વિદેશોમાં નોકરી અપાવવાની લાલચે ભારતીયો પાસે પૈસા પડાવી તેઓને ગેરકાયદે વિદેશોમાં મોકલીને તેઓ સાથે છેતરપિંડીનો પ્રયાસ કરે છે એવી એજન્સીઓને શોધી કાઢવા બાબતે અને તેઓની વિરુદ્ધ તપાસ થાય તે બાબત ઉપર વિશેષ ભાર મૂકે છે. અલબત્ત ગોવામાં પણ એવી કેટલીક લેભાગુ એજન્સીઓ જોવા મળી છે જે પૈકી અનેકની સામે હાલ તપાસ ચાલુ છે એમ સિંઘે કહ્યું હતું.