(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ વિરૂદ્ધ ચૂંટણી આચાર સંહિતાના અનેક આરોપો છતાં ચૂંટણી પંચ તેની સામે કોઇ પગલાં લેતું નથી. પાર્ટીએ એક વીડિયો દેખાડી દાવો કર્યો છે કે, નોટબંધી બાદ ભાજપ સરકાર દ્વારા હજુ પણ જુની નોટો બદલવાનું કામ ચાલુ છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે, તમામ વિભાગોના અધિકારીઓ દ્વારા નોટો બદલવાનું કામ થાય છે અને તેની અધ્યક્ષતા ભાજપના અધ્યક્ષ અમિત શાહ કરે છે. જેમાં મોટા મંત્રીઓ અને બિઝનેસ હાઉસોમાંથી વિમાન દ્વારા ચલણ લાવવામાં આવે છે અને તેને હિંડન એરપોર્ટ પર ઉતારવામાં આવે છે ત્યાંથી તેને રિઝર્વ બેંકમાં લઇ જવામાં આવે છે અને નોટ બદલવાનો ચાર્જ ૩૫-૪૦ ટકા થાય છે.
કપિલ સિબ્બલે કહ્યું કે, ભારતના ઇતિહાસમાં જો કોઇ સૌથી મોટું કૌભાંડ હોય તો તે નોટબંધી છે. મોદીએ પોતાના કાર્યકાળની શરૂઆતથી જ જનતાને મૂર્ખ બનાવીને કરી છે અને હવે ધમકાવીને પોતાનો કાર્યકાળ સમાપ્ત કરી રહ્યા છે. એ દુઃખની વાત છે કે, આપણા લોકતંત્રમાં જે એજન્સીઓ છે તે વિપક્ષી દળોની તપાસ કરશે પરંતુ કેન્દ્રીય મંત્રીઓની કોઇ તપાસ નહીં થાય. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, તમામ એજન્સીઓ પછી તે આઇટી હોય, સીબીઆઇ હોય કે પછી એનઆઇએ હોય તે બધી તેમના કબજામાં છે. જ્યારે એજન્સીઓ અને સરકાર એક મંચ પર આવી જાય તો લોકતંત્ર ક્યારેય લાગુ કરી શકાય નહીં. લોકતંત્ર બચાવવાનું કામ હવે જનતાનું છે. તેમણે દાવો કર્યો છે કે, ટ્રેઝરી અને બેંકના લોકો મળીને ૧૫ ટકા કમિશન પર નાણા કમાવી રહ્યા છે. તેમને કાંઇ નહીં થાય. તેમણે ગુજરાત ચૂંટણીઓ દરમિયાન થયેલા ખુલાસા અંગે કહ્યું હતું કે, હવે તો ૨૬ ઠેકાણાઓની વાત થઇ રહી છે. સિબ્બલે વીડિયોનો હવાલો આપતા કહ્યું કે, શું ઇડી આ લોકોની ધરપકડ કરશે ? વિપક્ષી દળો વિરૂદ્ધ ડાયરીનો ઉપયોગ કરવામાં આવે છે પણ આ જ વાત બિરલા અને યેદીયુરપ્પા ડાયરી પર લાગુ થતી નથી. છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ સ્થળોએ તપાસ એજન્સીઓ દ્વારા પાડવામાં આવતા દરોડા અંગે આક્રોશ વ્યક્ત કરતા કપિલ સિબ્બલે કહ્યું કે, નોટંબધી સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ છે. પણ દુઃખનીવાત એ છે કે, આપણી તપાસ એજન્સીઓ વિપક્ષની તપાસ કરે છે પણ સત્તામાં બેઠેલાઓની તપાસ કરતી નથી. આવા અનેક સ્ટિંગ વીડિયો આવી ગયા હોવા છતાં કોઇપણ એજન્સીએ કોઇપણ પ્રકારની તપાસ કરી નથી. આ કેસ ચૂંટણી પંચ સહિત દેશની તમામ એજન્સીઓ સાથે સંકળાયેલો છે. પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું કે, અમે ચૂંંટણી પંચને આવી અનેક ફરિયાદો કરી છે. તેઓ કોઇ કાર્યવાહી કરતા નથી અને અમારી પાસે એટલો સમય નથી કે અમે કોર્ટમાં જઇને ફરિયાદ કરીએ. છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષી નેતાઓના નજીકનાઓના ઘરે સતત દરોડા પડાઇ રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના નેતાઓ સાથે સંકળાયેલા લોકોના ઘરે દરોડાથી પ્રારંભ કરાયો હતો. સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના મનાતા લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું છે કે, આઇટીના દરોડાના રાજકીય ગણાવી શકાય નહીં.