(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૦
કેન્દ્રીય નાણામંત્રી અને પ્રદેશ ભાજપ પ્રભારી અરૂણ જેટલીએ આજે રાજકોટમાં “કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે” તેવો શબ્દપ્રયોગ કરતા કોંગ્રેસે અરૂણ જેટલી પર વળતો પ્રહાર કરી જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ભાજપ સરકારની દિશાવિહીન આર્થિકનીતિ ખાસ કરીને નોટબંધી અને જીએસટીના અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળતાને લીધે જે આર્થિક અરાજકતા ઊભી થઈ હતી તેના માટે જવાબદાર કોણ ! રાજકોટમાં “અરાજકતા” શબ્દનો ઉપયોગ કરીને અરૂણ જેટલીએ કોંગ્રેસ પર કરેલી ટીપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર અને નાણાંમંત્રીના નેતૃત્વમાં નોટબંધીના અપરિપક્વ અને ઉતાવળીયા નિર્ણયને કારણે સમગ્ર દેશમાં અંધાધૂંધી અને અરાજકતા ઊભી થઈ હતી. તે જ રીતે જીએસટીને લાગુ કરવામાં અને જીએસટીના ર૮ ટકા ઉંચા દરના કારણે સમગ્ર દેશના ધંધા-રોજગારમાં ભારે અરાજકતા ફેલાઈ હતી. નોટબંધી અને જીએસટીના કારણે લાખો નાના-મોટા વેપાર-ઉદ્યોગો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા, લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ. સમગ્ર દેશમાં ભાજપના ત્રણ વર્ષના નિષ્ફળ શાસનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો થયો છે. નિકાલ દરમાં ઘટાડો, વિકાસના દરમાં ઘટાડો, કૃષિ ઉત્પાદનમાં ઘટાડો અને મોંઘવારીમાં બેફામ વધારાના કારણે દેશના આર્થિક બાબતોમાં અરાજકતા ઊભી થઈ છે. મોંઘવારીના કારણે દેશના કરોડો સામાન્ય-મધ્યમ વર્ગના પરિવારોમાં જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે કેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપ સરકાર આર્થિક ક્ષેત્રે સદંતર નિષ્ફળ થતા કોંગ્રેસ પક્ષ પર આક્ષેેપ કરી રહી છે.
દેશમાં આર્થિક અરાજકતા માટે કેન્દ્રીય નાણામંત્રી જવાબ આપે
(૧) નોટબંધીના અપરિપક્વ અને ઉતાવળીયા નિર્ણયને કારણે સમગ્ર દેશમાં અંધાધૂંધી અને અરાજકતા માટે જવાબદાર કોણ ?
(ર) જીએસટીને લાગુ અને જીએસટીના ર૮ ટકા જેટલા ઉંચા દરના કારણે સમગ્ર દેશના ધંધા-રોજગારમાં ભારે અરાજકતા માટે જવાબદાર કોણ ?
(૩) અધકચરા જીએસટી અને ઉંચા દરના કારણે કાપડ, હીરા, સિરામિક સહિતના ઉદ્યોગોમાં ઊભી થયેલી અરાજકતા માટે જવાબદાર કોણ ?
(૪) સમગ્ર દેશમાં ભાજપના ત્રણ વર્ષના નિષ્ફળ શાસનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો, નિકાસ દરમાં ઘટાડો, વિકાસ દરમાં ઘટાડો પરિણામે ઊભી થયેલ આર્થિક અરાજકતા માટે જવાબદાર કોણ ?
(પ) કેન્દ્રની ભાજપ સરકારને દેશમાં બેફામ મોંઘવારીના પરિણામે દેશના કરોડો સામાન્ય-મધ્યમ વર્ગના પરિવારોમાં ઊભી થયેલી આર્થિક અરાજકતા માટે જવાબદાર કોણ ?
Recent Comments