(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
નોટબંધી દરમિયાન બેંકમાં મોટી રકમ જમા કરાવ્યા બાદ તેનો રિર્ટનમાં કોઇ જાણ ન કરનારા શહેરના વધુ સાત કરદાતાઓને ત્યાં આજે સવારથી સર્વે શરુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નોટબંધી દરમિયાન બેંકમાં વધુ રકમ જમા કરાવનારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ર૦૦થી વધુ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક ોલકો દ્વારા બેંકમાં જમા કરાવેલ રકમનો તેમના રિટર્નમાં ઉલ્લેખ કર્યો ન હતો. તેવા લોકોની યાદી તૈયાર કરીને તેઓને ત્યાં સર્વે શરુ કરવા માટેની સુચના ઇન્વેસ્ટીગેશન વિંગને આપવામાં આવી હતી. પરંતુ સ્ટાફની કમીના કારણે તથા અન્ય સર્ચ ઓપરેશનના કારણે તેઓ દ્વારા આ લોકોને ત્યાં તપાસ થઇ શકી ન હતી. અંતે સીબીડીટી દ્વારા આવા લોકોને સકંજામાં લેવા માટેની સુચના સર્કલમાં આપવામાં આવી હતી. આ સુચના મળતાની સાથે જ સુરતના આવકવેરા વિભાગના આઇટીઓ દ્વારા નોટબંધીમાં મોટી રકમ બેંકમાં જમા કરાવનારાઓની ત્યાં તપાસ શરુ કરવામાં આવી હતી. વિભાગની આ કામગીરીથી વૈપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગઇ છે. હજી જીએસટી માંથી બહાર નિકળી શક્યા નથી ત્યાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરુ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વિભાગ દ્વારા સર્ચ કામગીરી ચાલુ જ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.