(એજન્સી) નવી દિલ્હી, તા.૮
અનહદ, એક એનજીઓ જે શબનમ હાશ્મી દ્વારા ચલાવવામાં આવે છે અને ૩ર અન્ય સંસ્થાઓએ નોટબંધીની પ્રથમ વરસીએ નોટબંધી સંદર્ભે રિપોર્ટ બહાર પાડી છે જેને નોટબંધી દૈત્યનો વળગાડ નામ આપ્યું છે. જાણીતા સામાજિક કાર્યકર પીપીએસ કુમાર, વૈજ્ઞાનિક ગૌહર રઝા, ડૉ.સુબુધ મોહન્તી, ડૉ.જોન દયાલ, શબનમ હાશ્મી અને અન્યોએ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં નોટબંધી સંદર્ભે રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટ નોટબંધીના પીડીતોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે છે. આજથી બરાબર એક વર્ષ પહેલાં વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. આ સમાચારથી સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી જે અરાજકતામાં ૧૦૦થી વધુ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૩૬૪૭ વ્યક્તિઓ દ્વારા સર્વે કરાયો હતો જેમાં બધા જ રાજ્યોને આવરી લેવાયો હતો. સર્વે મુજબ નોટબંધી શરૂ થઈ એ પછી આજ સુધી શું પરિસ્થિતિ રહી છે એ બાબતે લોકોએ પોતાના વિચારો જણાવ્યા હતા. પ૦ ટકાએ ઈન્કાર કર્યું કે નોટબંધીથી કાળાં નાણાં ડામી શકાશે. ૪૮ ટકા લોકોએ જણાવ્યું કે, નોટબંધીથી ત્રાસવાદ ડામી શકાયું નથી. ૩૬ ટકા લોકોએ સ્વીકાર્યું કે નોટબંધીથી મોટા ઉદ્યોગ ગૃહોને લાભ થયું. ર૬ ટકાએ સ્વીકાર્યું કે નોટબંધીથી સરકારને લાભ થયું. ૮૩ ટકા નીચલા વર્ગના લોકોએ જણાવ્યું કે, અમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં ગૌહર રઝાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું નિર્ણય બિન લોકશાહી અને અત્યાચારી હતું જે ફાસીવાદી સૂચક હતું. મોદીએ પોતે કહ્યું હતું કે, નોટબંધી બાબત નિર્ણય કરવા મેં કોઈ પણ મંત્રી અથવા રિઝર્વ બેંક સાથે સલાહ કરી ન હતી. એ મારો પોતાનો અંગત નિર્ણય હતો.