(એજન્સી) ભોપાલ, તા.૫
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે નોટરીઓ અને સોગંધ કમિશનરો જેઓ લગ્ન અને છૂટાછેડા અંગેના દસ્તાવેજો ઘડવાનું કામ કરે છે એમની ઉગ્ર ટીકા કરી એમને આવા કૃત્યોથી અટકાવવા કડક ગાઈડલાઈન્સ બહાર પાડવા જણાવ્યું હતું. હાઇકોર્ટે કહ્યું કે એમને નિર્દેશો આપવામાં આવે છે કે તેઓએ આવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી અન્યથા એમના લાયસન્સો રદ્દ કરવામાં આવશે. હાઇકોર્ટની બેન્ચે અવલોકન કરતા જણાવ્યું કે ‘‘નોટરીઓના કૃત્યોની વ્યાખ્યા નોટરી એક્ટમાં જણાવવામાં આવી છે. એમને લગ્નના દસ્તાવેજો ઘડવાની મંજૂરી નથી, તેઓ લગ્ન કરાવવા અથવા છૂટાછેટાના દસ્તાવેજો ઘડવા અધિકૃત નથી.” કોર્ટ નિયમિત જામીન અરજીની સુનાવણી કરી રહી હતી. જે અરજી અરજદાર મુકેશે દાખલ કરી હતી, એમની ધરપકડ આઈ.પી.સી.ની કલમો ૪૨૦, ૪૬૭, ૪૬૮/૩૪ હેઠળ કરાઈ હતી. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ ફરિયાદી જીતેન્દ્રે ગાયત્રીબાઈ, નાગેશ્વર અને ઓમ પ્રકાશ વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. તેઓએ ફરિયાદી જીતેન્દ્રના લગ્ન ગાયત્રીબાઈ સાથે જાઓરા કોર્ટમાં ૯મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કરાવ્યા હતા પણ લગ્નના ૫-૬ દિવસો પછી ગાયત્રીબાઈ દાગીના-રોકડ લઇને ઘરેથી ભાગી ગઈ હતી.
તપાસ પછી પોલીસે બધાને ઝડપી લીધા હતા અને એમના નિવેદનો પણ નોંધ્યા હતા. પોલીસે એમની પાસેથી સ્ટેમ્પ પેપરો પણ કબજે કર્યા હતા. એમના નિવેદનો મુજબ તેઓએ ફરિયાદી દ્વારા અપાયેલ રૂા. ૧,૫૦,૦૦૦/- ત્રણેય વ્યક્તિઓએ વહચી લીધા હતા.
અરજદાર તરફે રજૂઆત કરતા વકીલે કહ્યું કે અરજદારને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યો છે. અરજદાર આરોપી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦થી જેલમાં છે. એમણે ફક્ત ગાયત્રીબાઈની લગ્ન માટે ફરિયાદી સાથે ઓળખાણ કરાવી હતી અને એ પછી ગાયત્રીબાઈ ક્યાં છે એની ખબર અરજદારને નથી.
કોર્ટે અવલોકન કર્યું કે ફક્ત આરોપીઓએ જ ષડયંત્ર નથી રચ્યું પણ એમાં નોટરી પણ જવાબદાર છે. જેમણે લગ્ન માટેના દસ્તાવેજો ઘડ્યા હતા. જો નોટરીએ આરોપીઓને યોગ્ય સલાહ આપી હોત અને ફરિયાદીને લગ્નનો કરાર ઘડી આપવા ઇન્કાર કર્યો હોત તો છેતરપિંડીની આ ઘટના નહિ બની હોત. કાયદા વિભાગે ધ્યાન રાખવું જોઈએ કે નોટરીઓ લગ્ન અને છૂટાછેડાના દસ્તાવેજો ઘડવાના કૃત્યોમાં નહિ જોડાય, કારણ કે એમને કાયદા હેઠળ આ માટે પરવાનગી નથી અપાઈ.
જોકે કોર્ટે અરજદારને ૫૦ હજારના જાત મુચરકા અને એટલી જ રકમના જામીન લઇ જામીન ઉપર મુક્ત કરવા આદેશ આપ્યો હતો.