(એજન્સી)                    તા.૯

નોર્થ ઇસ્ટ દિલ્હી રમખાણોના કેસના સંદર્ભમાં દિલ્હી આર્મ્ડ વિભાગના એક પોલીસકર્મીની પૂછપરછ કરવામાં આવી છે. આ ઘટનામાં રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્ત શખ્સોને રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડવામાં આવી હતી. ૨૪ વર્ષની ફૈઝાનનું પાછળથી મૃત્યુ થયું હતું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને વોટ્‌સએપ પર વાઇરલ થયો હતો. નોર્થ-ઇસ્ટ દિલ્હીની કોમી હિંસા દરમિયાન ૨૫ ફેબ્રુ.ના રોજ આ ઘટના ધ્યાન પર આવી છે. આ વીડિયોમાં ત્રણ શખ્સો ઇજાગ્રસ્ત હાલતમાં દુઃખાવાથી કણસતા હતા અને દિલ્હી પોલીસના કેટલાક કર્મીઓ તેને ઘેરી વળ્યા હતાં. તેમને રાષ્ટ્રગીત અને વંદેમાતરમ ગાવાની ફરજ પડી હતી.

દરમિયાન કદમપુરીના નિવાસી ફૈઝાનનું પાછળથી એલએનજેપી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. કિશોરસિંહ ૨૫ ફેબ્રુ.ના રોજ ન્યૂરો સર્જરી માટે દાખલ કરાયાં હતાં અને ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. એક અહેવાલ અનુસાર દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે હવે ફૈઝાનના મૃત્યુ તરફ દોરી જનારા તપાસના ભાગરૂપે દિલ્હી આર્મ્ડ પોલીસમાં નિયુક્ત કરાયેલ પોલીસકર્મીની દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરી હતી.  વીડિયો ક્લિપમાં દેખાતાં બે અન્ય શખ્સોના પરિવારોએ જણાવ્યું હતું કે ૨૪ ફેબ્રુ.ના રોજ કદમપુરી ખાતે આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. અખબારી અહેવાલ અનુસાર એક પોલીસકર્મી દ્વારા રેકોર્ડ કરાયેલ વીડિયો વાયરલ બન્યો છે પરંતુ આ જ ઘટનાનો એક બીજો વીડિયો ઉતારવામાં આવ્યો છે જેના કારણે પોલીસ તપાસમાં મદદ મળી છે. ભજનપુરા પોલીસ સ્ટેશન ખાતે ૨૮ ફેબ્રુ.ના રોજ એફઆઇઆર દાખલ કરાઇ હતી. પરંતુ પાછળથી આ કેસ ક્રાઇમ બ્રાંચને રીફર કરાયો હતો.