૧૯૪૭ના યુદ્ધમાં બ્રિગેડિયરે પાકિસ્તાન પાસેથી નૌશેરા આંચકી લીધું હતું જે બાદ તેમને નૌશેરાના શેરના ખિતાબથી નવાજાયા હતા, તેમની દફનવિધિમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પણ સામેલ રહ્યા હતા
બ્રિગેડિયર ઉસ્માનની બહાદૂરીથી ગભરાયેલી પાકિસ્તાની સેનાએ તેમના પર ઈનામની જાહેરાત કરી દીધી હતી, જો કે યુદ્ધ દરમિયાન પાક. તોપમારામાં ઉસ્માન શહીદ થયા હતા

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૯
‘નૌશેરાના શેર’નો ખિતાબ પામેલા બ્રિગેડિયર ઉસ્માનની પાટનગર દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં આવેલી કબર જર્જરિત હાલતમાં જોવામાં આવતા સેનાએ આક્રોશ ઠાલવ્યો છે. સેનાએ ઉચ્ચ સ્તરે યુનિવર્સિટીના મહાવીર ચક્ર વિજેતા, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કબરની મરામત કરાવવા માટે કહ્યું છે. જો યુનિવર્સિટી તેની મરામત નહીં કરાવે તો સેના પોતે આ કામ કરાવી લેશે. તાજેતરમાં જ એક તસવીર સામે આવી હતી જેમાં બ્રિગેડિયર ઉસ્માનની કબરની જર્જરિત હાલત દેખાઈ રહી હતી. આ કબર જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની કબ્રસ્તાનની જમીનમાં આવેલી છે. જો કે, યુનિવર્સિટીએ કહ્યું હતું કે, કબ્રસ્તાન ભલે યુનિવર્સિટીની જમીન પર છે પરંતુ કબરની દેખરેખની જવાબદારી પરિવારની છે. આ મુદ્દે સેનાએ યુનિવર્સિટી તંત્રને વહેલામાં વહેલી તકે કબરની મરામત કરવા જણાવ્યું છે. અહેવાલો અનુસાર સેનાનું માનવું છે કે, આ વીઆઈપી કબ્રસ્તાન યુનિવર્સિટીની જમીન પર છે અને કબ્રસ્તાનની જવાબદારી પણ યુનિવર્સિટીની જ છે તેથી જામિયા મિલ્લિયા ઈસ્લામિયાને જ કબરની મરામત કરાવવી જોઈએ. પરંતુ સેનાએ સાથે જ એવું પણ કહી દીધું છે કે, જો યુનિવર્સિટી મરામત નહીં કરાવે તો આ કામ સેના પોતાની રીતે જ કરી લેશે. ઉલ્લેખનીય છે કે, બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનના નેતૃત્વમાં ભારતીય સેનાએ ૧૯૪૭માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જોરદાર રીતે લડત આપી હતી. ત્યારબાદથી જ તેમને સેનાના શેરનો ખિતાબ અપાયો હતો. તેમની બહાદૂરીથી પાકિસ્તાની સેના એટલી ગભરાઈ ગઈ હતી કે, તેણે તેમના પર ઈનામની જાહેરાત કરી દીધી હતી. પરંતુ યુદ્ધ દરમિયાન જ ૧૯૪૯માં પૂંછના ઝાંગડ વિસ્તારમાં પાકિસ્તાની સેના સામે લડતાં તેઓ એક તોપ ગોળાની ઝપટમાં આવી ગયા હતા જેના કારણે યુદ્ધના મેદાનમાં જ તેઓ શહીદ થઈ ગયા હતા. તેમની બહાદૂરી બદલ સરકારે બ્રિગેડિયર ઉસ્માનને દેશના બીજા સર્વોચ્ચ વીરતા સન્માન, મહાવીર ચક્રથી નવાજ્યા હતા. આ યુદ્ધમાં ભારત તરફથી બ્રિગેડિયર ઉસ્માન જ એટલા મોટા સૈન્ય અધિકારી હતી જેમણે દશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. બ્રિગેડિયર ઉસ્માનના જનાઝામાં ખુદ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેેરૂ પણ સામેલ રહ્યા હતા. ૨૦૧૪માં ભારતીય સેનાએ બ્રિગેડિયર ઉસ્માનની તેમની શહાદતના દિવસ ૩ જુલાઈએ જામિયા મિલ્લિયા ખાતેની કબર પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ૨૦૧૮માં જામિયા મિલ્લિયા યુનિવર્સિટીએ એનસીસી સાથે મળીને તેમની કબર પર સર્જિકલ સ્ટ્રાઈક દિવસ મનાવ્યો હતો. ત્યાં સુધી કબર બરાબર હતી ત્યારબાદ કબર પર ધ્યાન અપાયું ન હોય તેવું લાગ્યું. સેનાના સૂત્રો અનુસાર કોરોના મહામારીને પગલે કબર પર કોઈ કાર્યક્રમ આયોજિત ના થયું હોવાને કારણે તેની આવી હાલત થઈ ગઈ હતી. કબર જે રીતે જર્જરિત થઈ છે તેનાથી જાણવા મળે છેે કે, કોઈ તોડફોડ કરાઈ નથી.