(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
સામાજિક કાર્યકર તથા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર ન્યાયતંત્રની સ્વતંત્રતા આંચકી લેવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા પર મેડીકલ કોલેજમાં લાંચ કેસમાં નિશાન તાક્યંુ છે જેમાં સુપ્રીમ કોર્ટે જ પહેલા જ બે પિટિશનો ફગાવી દીધી છે. કેમ્પેન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સ (સીજેએઆર)ના બેનર હેઠળ આ મુદ્દાને ઉઠવતા વરિષ્ઠ વકીલ ભૂષણે એક નાગરિક અધિકાર સંગઠન ‘જનહસ્તક્ષેપ’ અને માનવ અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી (પીયુસીએલ) અંતર્ગત આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ભૂષણ જનહસ્તક્ષેપ અને પીયુસીએલ તરફથી આયોજિત એક પરિચર્ચાને સંબોધિત કરી રહ્યા હતા. પરિચર્ચાનો વિષય ‘આખરી કિલ્લાને ધ્વસ્ત કરવું : શું ભારતીય લોકતંત્ર ખતરામાં છે’ રાખવામાં આવ્યું હતું. તેમણે ન્યાયાધીશોની પસંદગીમાં સરકાર દ્વારા અપનાવાયેલી રીતો સામે સવાલો ઉઠાવ્યા હતા. મેડીકલ કાઉન્સિલ તરફતી રજૂ થયેલા વકીલ વિકાસસિંહે ન્યાયપાલિકા વિરૂદ્ધ આરોપ લગાવવા અંગે ભૂષણની ટીકા કરી હતી. ચાર અસંતુષ્ટ ન્યાયાધીશો જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઇ, મદન બી લોકુર અને કુરિયન જોસેફને લખેલા પત્રમાં વિકાસસિંહે સીજેઆઇ પર આરોપ લગાવનારી ફરિયાદ દાખલ કરવા અંગે સીજેએઆરની ટીકા કરી હતી. ફરિયાદમાં પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલી મેડીકલ કોલેજ લાંચ મામલે સીજેઆઇ પર કથિત કદાચારના આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત ૧૨મી જાન્યુઆરીએ ચાર ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયામૂર્તિ પર આરોપ લગાવતી પત્રકાર પરિષદ યોજી હતી અને ન્યાયતંત્રમાં બધું બરોબર ચાલી રહ્યું નથી તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મહત્વના કેસો પસંદગીના જજોને સોંપી દેવામાં આવે છે.
ન્યાયપાલિકાની સ્વતંત્રતા આંચકી લેવાનો મોદી સરકારનો પ્રયાસ : પ્રશાંત ભૂષણનો આક્ષેપ

Recent Comments