(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ સીજેઆઈને પત્ર લખી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન. વી. રામન્ના ઉપર પક્ષપાત કરવાના આક્ષેપો મૂક્યા હતા, એના થોડા દિવસો પછી જજ રામન્નાએ કહ્યું હતું કે,” જજોએ પોતાના નિર્ણયો જાહેર કરતી વખતે ભય મુક્ત હોવું જોઈએ અને કોઈ પણ દબાણ અને વિપરીત પરિસ્થિતિઓ તરફ ધ્યાન નહીં આપવું જોઈએ.” સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એ.આર. લક્ષ્મણની શોકસભામાં જજ રામન્નાએ કહ્યું હતું કે ન્યાયતંત્રની મોટામાં મોટી શક્તિ લોકોમાં એમના માટે વિશ્વાસ છે. એમણે કહ્યું કે”વિશ્વાસ, આત્મવિશ્વાસ અને સ્વીકાર્યતા માટે આદેશ આપી શકાય નહીં એ કમાવવી પડે છે.” ગયા અઠવાડિયે રેડ્ડીએ સીજેઆઇને પત્રમાં લખ્યું હતું કે જજ રામન્ના આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં દરમિયાનગીરી કરે છે. બે મહત્વપૂર્ણ કેસોમાં એમણે ટીડીપી પક્ષને લાભ કરાવતા ચુકાદાઓ અપાવ્યા હતા અને જજ રામન્ના ચંદ્રબાબુની સરકારમાં એમના કાયદાકીય સલાહકાર અને એડવોકેટ જનરલ પણ હતા. આ મામલો હવે ન્યાયતંત્ર સાથે સંકળાયેલ લોકોના વિચારોમાં મતભેદો પેદા કરી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિવેદન બહાર પાડી રેડ્ડીના પત્રની આલોચના કરતા કહ્યું કે તેઓ ન્યાયતંત્રની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને એની પ્રતિષ્ઠા ઘટાડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ ૧૬મી ઓક્ટોબરે ઠરાવ પસાર કરી રેડ્ડીની ટીકા કરી હતી. જોકે એસોસિએશનના અધ્યક્ષ દુષ્યંત દવે ઠરાવ સાથે સંમત ન હતા.