નવી દિલ્હી, તા. ૧૩
સુુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ મોરચો ખોલનારા ચાર વરિષ્ઠ જજોમાં સામેલ જસ્ટિસ જોસેફ કુરિયને શનિવારે આશા વ્યક્ત કરી હતી કે, તેમના દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓને ઉકેલી લેવામાં આવશે. જસ્ટિસ જોસેફ, જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા પર મનપસંદ જજોને મહત્વપૂર્ણ કેસો સોંપવાનો આરોપ લગાવ્યો હતો. જોસેફે કહ્યું કે અમે આ મામલો સંપૂર્ણ રીતે ન્યાય અને ન્યાયપાલિકાના હિતમાં ઉઠાવ્યો છે. ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજોએ કોઇ આંતરિક બાબતને લઇ પત્રકાર પરિષદ કરી હોય. પ્રેસ કોન્ફરન્સ કરી ટોચની અદાલતના શિષ્તભંગ કરવાની બાબતને તેમણે ફગાવી કહ્યું હતું કે, આ પગલાને લીધે ટોચની અદાલતમાં વધુ પારદર્શિતા આવશે.પોતાનાનિવાસે મલયાલમ ટીવીની એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, અમે ન્યાય અને ન્યાયપાલિકા માટે અવાજ ઉઠાવ્યો આનાથી વધુ હું કાંઇજ ના કહી શકું. તેમણે કહ્યું કે, એક મામલો સામે આવ્યો છે અને સામે આવ્યો છે ત્યારે તેનો ઉકેલ પણ અવશ્ય આવશે. જજોએ ન્યાયપાલિકામાં લોકોના વિશ્વાસને વધારવા માટે પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ રંજન ગોગોઇએ શુક્રવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, દેશની સર્વોચ્ચ અદાલતમાં બધું બરોબર ચાલી રહ્યું નથી અને એવું થઇ રહ્યું છે જે ના થવું જોઇએ. જો આ સંસ્થાનની જાળવણી નહીં થાય તો દેશમાં લોકશાહી નહીં બચે. મુખ્ય ન્યાયાધીશ બાદ સૌૈથી વરિષ્ઠ જજ ચેલમેશ્વરે કહ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટમાં બધું યોગ્ય રીતે ચાલી રહ્યું નથી અને છેલ્લા કેટલાક મહિનાથી જે ના થવું જોઇએ તે થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ આ માટે મુખ્ય ન્યાયાધીશને શુક્રવારે સવારે જ મળ્યા હતા પરંતુ તેમને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચારેય જજોએ મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખીને કેટલાક સમય પહેલાથી ચાલી રહેલી બાબતોની જાણ કરી હતી.