બેલાસોર,તા. ૨૩
ભારતે આજે પરમાણુ સક્ષમ ધનુષ મિસાઇલનુ સફળ પરીક્ષણ કર્યુ હતુ. આ મિસાઇલ ૩૫૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમ છે. ઓરિસ્સાના દરિયાકાંઠા પર નેવલશીપ ખાતેથી તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જમીનથી જમીનમાં પ્રહાર કરવામાં સક્ષમ આ અતિઆધુનિક મિસાઇલનુ સવારે ૧૦૫૨ વાગે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઇલનુ અગાઉ નવમી એપ્રિલ ૨૦૧૫ના દિવસે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. પરીક્ષણ વેળા તમામ ટોપના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. પૃથ્વી મિસાઇલની નૌકા આવૃત્તિ તરીકે આને ગણવામાં આવે છે. ધનુષ મિસાઇલ ૫૦૦ કિલોગ્રામ પેલોડ લઇને ત્રાટકવામાં સક્ષમ છે. જમીન અને દરિયાઈ સ્થિત ટાર્ગેટ ઉપર સફળતાપૂર્વક પડી શકે છે. ડિફેન્સ ફોર્સમાં સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા આના પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન નેવીના એસએફસી દ્વારા ટ્રેનિંગ કવાયતના ભાગરુપે આ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન તમામ મિશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.
પરીક્ષણને સંપૂર્ણ સફળ તરીકે ગણાવીને જણાવવામાં આવ્યું છે કે, મિસાઇલ લોંચ અને ફ્લાઇટ પરફોર્મન્સ ઉપર બીઆરડીઓ અને રડાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. નવમી એપ્રિલ ૨૦૧૫ના દિવસે છેલ્લુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સિંગલ્સ સ્ટેજ લિક્વિડ પ્રોપેલ્ડ ધનુષને પહેલાથી જ ડિફેન્સ સર્વિસમાં સામેલ કરવામાં આવી ચુકી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે પાંચ મિસાઇલો વિકસિત કરવામાં આવી છે તે પૈકી આ મિસાઇલ એક છે.