ઓકલેન્ડ, તા.ર૧
વરસાદના વિઘ્નવાળી ટી-ર૦ ફાઈનલમાં ડકવર્થ લુઈસ પ્રમાણે ન્યુઝીલેન્ડને ૧૯ રને હરાવી ઓસ્ટ્રેલિયાએ ત્રિકોણીય સિરીઝ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે ૯ વિકેટે ૧પ૦ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ વરસાદ આવતા પહેલાં ૧૪.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧ર૧ રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ ફરીથી શરૂ થઈ શકી નહીં અને ડકવર્થ લૂઈસ નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને ૧૯ રને વિજયી જાહેર કરવામાં આવ્યું. આ રીતે ત્રણ દેશોની આ ટી-ર૦ સિરીઝને ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે ફરી. એગરને મેન ઓફ ધ મેચ અને મેક્સવેલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો. મેક્સવેલે આ સિરીઝમાં એક સદી સહિત ર૩૩ રન બનાવ્યા હતા. ફાઈનલમાં ન્યુઝીલેન્ડના બેટસમેનોએ લચર પ્રદર્શન કર્યું. ટેલરે હાઈએસ્ટ ૩૮ બોલમાં ૪૩ રન બનાવ્યા જ્યારે મુનરોએ ર૯ અને ગુપ્ટીલે ર૧ રનની ઈનિંગ રમી. ઓસી. માટે શોર્ટે ૩૦ બોલમાં પ૦ રનની સ્ફોટક ઈનિંગ રમી.