(એજન્સી) તા.૧૯
ન્યુઝીલેન્ડમાં વડાપ્રધાન જેસિંડા આર્ડર્નની ચૂંટણીમાં થયેલ પ્રચંડ જીતને નેતાગીરીની સર્વસમાવેશક બ્રાંડની સ્વીકૃતિ તરીકે જોવામાં આવે છે અને તેમનો આ વિજય ન્યુઝીલેન્ડની સરહદોની પેલેપાર પણ વમળો સર્જશે.
લોકપ્રિયતા અને સંઘર્ષના યુગમાં જેસિંડા આર્ડર્નના પક્ષ લેબર પાર્ટીનો ૭૦ વર્ષ કરતાં વધુ સમયમાં સૌથી મોટા વોટ શેરીંગ સાથે વિજય થયો છે. આ બાબત ૩, નવે. પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહેલાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનના ભાગલાવાદી રાજકારણથી તદ્દન વિરુદ્ધ છે. વાસ્તવમાં જેસિંડા આર્ડર્નનો પ્રચંડ ચૂંટણી વિજય અમેરિકા માટે એક પદાર્થપાઠ સમાન છે. જેસિંડા આર્ડર્નનો અભિગમ પોતાના સમર્થનનો વ્યાપ મહત્તમ કરવા માગતાં અન્ય નેતાઓ માટે સબક સમાન છે એવું મેલબોર્નમાં મોનિસ યુનિવર્સિટી ખાતે રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના વરિષ્ઠ વ્યાખ્યાતા જારેહ ઘાઝારીને જણાવ્યું હતું. તેઓ સૌથી પડકારજનક સંજોગોમાં રાષ્ટ્રનું માત્ર નેતૃત્વ જ સંભાળવામાં સફળ રહ્યાં નથી પરંતુ તેઓ પોતાના સમગ્ર વિઝનને પહોંચાડવામાં પણ સફળ રહ્યાં છે. ન્યુઝીલેન્ડમાં આ સમન્વય અને સર્વસમાવેશકની રાજનીતિ છે. ૨૦૧૯માં ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં થયેલા ઘાતકી ગોળીબાર પ્રત્યે ૪૦ વર્ષના જેસિંડા આર્ડર્ને આપેલ પ્રતિસાદની આંતરરાષ્ટ્રીય સરાહના થઇ છે. તેમણે મોતનો મલાજો જાળવવાના પ્રતિકરુપે માથે ઓઢીને મુસ્લિમ સમુદાય સાથે શોકમાં સહભાગી બનીને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ વર્ષે તેમણે કોરોના વાયરસ મહામારી સામે કામ લેવામાં પોતાનું કૌવત દાખવ્યું હતું અને વિશ્વની સૌથી કડક લોકડાઉનનો અમલ કરીને કોરોનાનું સમુદાયેક સંક્રમણને નાથવામાં તેમને સફળતા મળી હતી.