ક્રાઇસ્ટચર્ચ, તા. ૨૨
વેસ્ટઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ક્રાઇસ્ટચર્ચમાં બીજી વનડે મેચ રમાનાર છે. પ્રથમ વનડે મેચ ન્યુઝીલેન્ડે જીતી લીધા બાદ બીજી મેચ પણ જીતી લેવા માટે ઉત્સુક છે. ન્યુઝીલેન્ડની ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તે જોતા આ વનડે પણ જોરદારરીતે જીતી લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ક્રાઇસ્ટચર્ચ ખાતે મેચને લઇને તૈયારી કરી લેવાઈ છે. ન્યુઝીલેન્ડે પ્રથમ વનડે મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. ૨૪ બોલ ફેંકવાના હતા ત્યારે ન્યુઝીલેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટોપ ઓર્ડરના તમામ બેટ્‌સમેનોએ ઉપયોગી બેટિંગ કરી હતી જેમાં વર્કરે ૫૭, મુનરોએ ૪૯, વિલિયમસને ૩૮, ટેલરે ૪૯ રન કર્યા હતા. જીતવા માટેના ૨૪૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડે સરળતાથી આ રન બનાવી લીધા હતા. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. અત્રે નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડે હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં પણ વેસ્ટઇન્ડિઝ ઉપર જીત મેળવી હતી. ક્રિસ ગેઇલની વિન્ડિઝ ટીમમાં વાપસી થઇ હોવા છતાં ટીમના ખેલાડીઓમાં કોઇ ઉત્સાહ વધ્યો ન હતો અને ટીમ ૨૪૯ રન જ બનાવી શકી હતી. ક્રિસ ગેઇલ પોતે ૨૨ રન કરીને આઉટ થયો હતો. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોભામ ઓવલ ખાતે આ મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઘરઆંગણે ધરખમ દેખાવ તમામ ખેલાડીઓએ કર્યો હતો. બોલરો અને બેટ્‌સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો. લુઇસે સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા.