અમદાવાદ, તા.૧૮
ભારતના મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલયહ વિરૂદ્ધ જાણી જોઈને ઇરાદાપૂર્વક અપ શબ્દો ઉચ્ચારનાર ન્યૂઝ ૧૮ હિન્દીના પત્રકાર અમીશ દેવગણ વિરૂદ્ધ ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજે સરખેજ પોલીસ મથકમાં ન્યૂઝ ૧૮ના પત્રકાર અમીશ દેવગણ અને ન્યૂઝ ૧૮ના સંચાલકો વિરૂદ્ધ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સરખેજ પોલીસ મથકના PI B. B. Goyalને પોલીસ ફરિયાદ આપતાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફ્તી રિઝવાન તારાપુરીએ અમીશ દેવગણ અને ન્યૂઝ ૧૮ના સંચાલકોની તત્કાલિક ધરપકડ કરી સખત કાર્યવાહી કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તારીખ ૧૫ જૂનના રોજ કાશી મથુરા મંદિર સંબંધિત ચર્ચામાં ઇરાદાપૂર્વક ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (રહે.) વિરૂદ્ધ અપશબ્દો બોલીને ઉશ્કેરણી જનક ભાગ ટિ્‌વટર હેન્ડલ ઉપરથી પ્રસારિત કરી મુસ્લિમોની ધાર્મિક ભાવના ઉશ્કેરવાનું કૃત્ય કરેલ છે. જો આવા પત્રકારો અને ન્યૂઝ ચેનલો વિરૂદ્ધ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ભારતની કોમી એકતા અને સંવાદિતાને પોતાના ધંધાકીય સ્વાર્થ માટે તોડી પાડશે.
આ અગાઉ પણ આ પત્રકારે બે કોમો વચ્ચે ઉશ્કેરણી કરવાના ઘણા કૃત્યો કરેલા છે. મુફતી સાહેબે કહ્યુ કે, ઇરાદાપૂર્વકના ઉશ્કેરણી જનક ઉચ્ચારણો કર્યા પછી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા પછી અમીશ દેવગણ દ્વારા ઉપર છલ્લો ખુલાસો કરવાનો જે પ્રયાસ કરવામાં આવેલ છે, તે માફીને લાયક નથી. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કોમી ઉશ્કેરણી કરનારા પત્રકારો, સમાચાર સંસ્થાઓ વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરવા વિવિધ સ્તરે વહીવટી તંત્રને રજૂઆત કરવા, પ્રસાર માધ્યમોની સંસ્થાઓ જેવી કે એડિટર્સ ગિલ્ડમાં નફરત ફેલાવનારી સમાચાર સંસ્થાઓ વિરૂદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજના પ્રતિનિધિ મંડળમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફ્તી રિઝવાન તારાપુરીની સાથે ઇકબાલ એહમદ મિરઝા, એડવોકેટ ઉવેસ મલિક, આસિફ શેખ, ડૉ.યાકુબ મેમન, તાહિર શેખ હાજર રહ્યાં હતા.