(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
રાજ્યકક્ષાના માનવ સંસાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંહે ફરી એક વાર ટીપ્પણી કરીને વિવાદ પેદા કર્યો છે. સત્યપાલ સિંહે કહ્યું કે ન્યૂટન પહેલા મંત્રો દ્વારા ‘ગતિના નિયમો’ની શોધ થઈ હતી. તેમણે કહ્યું કે એવા કેટલાક મંત્રો હતા જેને ગતિના નિયમો સૂચિત કર્યાં હતા. ન્યૂટન દ્વારા ગતિના નિયમોની શોધ કરવામાં આવે તે પહેલા આવું થયું હતું. તેથી જરૂરી છે કે આપણા અભ્યાસક્રમમાં પરંપરાગત જ્ઞાનનો ઉમેરો કરી લેવામાં આવે. સત્યપાલે શાળા અને કોલેજોનું નિર્માણ વાસ્તુશાસ્ત્રને આધારે કરાવવાની સલાહ આપી. તેમણે અધ્યયન, અધ્યાપન માટે તેને મહત્વપૂર્ણ ગણાવ્યું. આઈપીએસ અધિકારી તરીકે સેવા આપી ચૂકેલા સિંહે સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનની બેઠકમાં આવી વાત કરી. તેમાં કેન્દ્રીય મંત્રીની સાથે ઘણા કેન્દ્રીય મંત્રીઓ તથા કેટલાક રાજ્યોના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં કહ્યું કે ન્યૂટન દ્વારા ગતિનો નિયમની શોધના ઘણા સમય પહેલા મંત્રોમાં તેને ડિકોડ કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સત્યપાલ સિંહે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર વિવાદીત ટીપ્પણી કરી હતી. તેમણે ડાર્વિનના સિદ્ધાંતને વૈજ્ઞાનિક રીતે ખોટો ગણાવ્યો હતો.