(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દિલ્હીને જોડતી હરિયાણા તથા ઉત્તરપ્રદેશની સરહદો પર કિસાનોનું આંદોલન શુક્રવારે ૧૬મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે પ્રદર્શન આગળ વધારવા માટે ખેડૂતો મક્કમ છે. ખેડૂત નેતાઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે જ્યારે પંજાબ અને હરિયાણાથી ૫૦ હજારથી વધુ લોકો આંદોલનમાં જોડાવા માટે છ મહિનાના રાશન સાથે દિલ્હી તરફ નીકળી પડ્યા છે. શનિવાર સાંજ સુધી હજારો ખેડૂત પ્રદર્શનકારીઓ સિંઘુ બોર્ડર પર પહોંચે તેવી શક્યતા છે. ખેડૂતો સતત ત્રણ કાયદાઓ રદ કરવાની માગ કરી રહ્યા છે અને તેમના નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકાર સકારાત્મક પ્રસ્તાવ લાવી અને તેઓ વાતચીત શરૂ કરશે. પંજાબના ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ મેજરસિંહ પુનાવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાઓ પરત ના ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ૧૨મી ડિસેમ્બર પહેલાં અમારી જયપુર-દિલ્હી એક્સપ્રેસવેને બ્લોક કરવાની આગામી યોજના છે અને ૧૪મી ડિસેમ્બરે દેશની તમામ જિલ્લા કલેક્ટર ઓફિસો પર ધરણા કરીને અધિકારીઓને આવેદન આપવાની યોજા છે. ખેડૂતો આ ઉપરાંત ૧૨ અને ૧૪મી ડિસેમ્બરના રોજ દેશના તમામ ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરશે અને ભાજપની ઓફિસો આગળ દેખાવો કરશે. પુનાવાલે કહ્યું કે, દેશભરના ટોલ પ્લાઝા ફ્રી કરાશે ખેડૂતોએ પંજાબમાં આ પહેલાં જ કર્યું છે જ્યારે રિલાયન્સના પેટ્રોલ પંપોને પણ બંધ કરશે. ભારતીય કિસાન યુનિયનના ગુરવિંદરસિંહે કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદા નાબૂદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આંદોલનને સંપૂર્ણ તાકાતથી ઉગ્ર બનાવવાની તૈયારી થઇ ગઇ છે. માત્ર પંજાબના અમૃતસરમાંથી જ મહિલાઓ અને યુવાઓ સાથે ૩૦,૦૦૦ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. તેમની સાથે દિલ્હી જવા માટે હરિયાણાના ખેડૂતો પણ જોડાશે.