(એજન્સી) ચંદીગઢ,તા.૨૭
ગત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસે આજે વિશ્વના ૧૯૦ દેશોને ભરડામાં લીધાં છે. ત્યારે તબીબો ખડે પગે દર્દીઓને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યાં છે. એવામાં પંજાબમાં કોરોના વાયરસને માત આપીને એક દર્દી સ્વસ્થ થયો હોવાના સમાચાર મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા ટ્‌વીટ કરીને આપવામાં આવ્યા છે. તેમણે ટ્‌વીટમાં કહ્યું છે કે, “મને આ વાત જણાવતા ખુશી થાય છે કે, અગાઉ ઈટલીનો પ્રવાસ કરી ચૂકેલા અને સરકારી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા પંજાબના પ્રથમ દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ શુક્રવારે તેને રજા આપવામાં આવી છે. આ ઘડી અમારા માટે ખૂબ જ સુખદ છે. મણે ખાતરી છે કે, અમેં કોવિડ-૧૯ સામેનું યુદ્ધ જીતીશું.” રાજ્યમાં કોરોના વાયરસનો આ પ્રથમ પોઝિટિવ કેસ ગત ૯મી માર્ચે સામે આવ્યો હતો. આ શખ્સ ૪ માર્ચે તેના પરિવારના બે સભ્યોની સાથે મિલાનથી દિલ્હી થઈને અમૃતસર પરત આવ્યો હતો. આ દર્દી હોશિયારપુર શહેરનો રહેવાસી છે અને તે તેના પુત્રની સાથે અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં દાખલ થયો છે. પંજાબમાં ગુરુવાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૩૩ પોઝિટિવ કેસો સામે આવ્યા હતાં. જેમાંના ૭૦ વર્ષીય એક દર્દી બલદેવ સિંહનું ગત સપ્તાહે મોત નીપજ્યું હતું, કે જેઓ ઈટલી મારફતે જર્મનીનો પ્રવાસ ખેડીને આવ્યા હતાં. એસ.બી.એસ. નગર જિલ્લાના બળદેવસિંહના સંપર્કમાં આવેલા કુલ ૨૨ લોકોનો કોરોનાવાયરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંના કુલ ૧૮ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકો તેમના પરિવારના સભ્યો છે.