(એજન્સી) તા.૧૦
પંજાબના શ્રી મુકતસર સાહેબમાં રહેતા એક પરિવારે ખેડૂતો માટે અનોખી પહેલ કરી છે. સમાચાર મુજબ આ પરિવારના લોકોએ પોતાને ત્યાં લગ્નમાં લોકો પાસેથી ગિફટ લીધી નથી, પરંતુ તેના સ્થાને લગ્નના વેન્યુ પર એક ડોનેશન બોકસ રાખ્યું છે. જેના દ્વારા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ થઈ શકે. આ પરિવારે મિત્રો અને સંબંધીઓને અપીલ પણ કરી અને તેમને જણાવ્યું કે અમને ગીફટ ના આપીને ખેડૂતો માટે ઉદાર થઈને દાન કરો. આ ખાસ પહેલ પર વર અભિજીતસિંહે જણાવ્યું કે આ આપણી લડાઈ છે. અને આપણે બધાએ તેને સાથે મળીને લડવી જોઈએ. દરેકએ ખેડૂતોની મદદ કરવી જોઈએ. હું આપણા સમાજના યુવાનોને પણ કહેવા ઈચ્છુ છુ કે તે ખેડૂતોને સપોર્ટ કરે. અભિજીત સિંહના એક સંબંધીએ જણાવ્યું કે અમારા સંપૂર્ણ પરિવારે નક્કી કર્યું હતું કે અમે ખેડૂતો માટે કંઈક કરીશું. અમે અહીં ખુશીઓ ઉજવી રહ્યા છીએ અને તે ત્યાં ધરણા પર બેઠા છે. માટે અમે વિચાર્યું કે અમે અહિંથી તેમના માટે કંઈક કરીશું.