(એજન્સી)
નવી દિલ્હી, તા.૭
દેશમાં કોરોના વાયરસ અંગે લોકોમાં ડરનો માહોલ છે. હવે કોરોના વાયરસ જમ્મુ-કાશ્મીર અને પંજાબ સુધી પહોંચી ગયો છે. પંજાબના અમૃતસરના બે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ બંને શખ્સો ઈટાલીથી પરત ફર્યા બાદ અમૃતસરના હવાઈ મથક પર તેમની તપાસ કરવામાં આવી હતી.
બંને દર્દીઓમાં કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ હોંશિયારપુરમાં રહેતા તેમના પરિવારજનોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૩૩ કેસો સામે આવ્યા છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં પણ એ શંકાસ્પદ દર્દીઓ જોવા મળ્યા હતા. આ બંને પણ તાજેતરમાં જ ઈટાલીથી પરત ફર્યા હતા.
કોરોના વાયરસના વધતા જોખમની વચ્ચે જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ ૩૧ માર્ચ સુધી જમ્મુ અને સાંબા જિલ્લામાં પ્રાથમિક વિદ્યાલયોને બંધ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ સરકારે ૩૧ માર્ચ સુધી બાયોમેટ્રિક હાજરીને પણ રદ કરી દીધી છે. આ માહિતી આયોજન, વિકાસ, નિરીક્ષણના મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીર સરકારના પ્રવકતા રોહિત કંસલે ટ્‌વીટ કરીને આપી છે.
કાશ્મીરમાં કોરોના વાયરસના સંભવિત કેસોનો સામનો કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં સ્વાસ્થ્ય વિભાગને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રશિક્ષિત કર્મચારીઓ એકજૂટ થઈ ગયા છે અને સીઓવીઆઈડી-૧૯ના વધતા જોખમને ધ્યાનમાં રાખીને એક આઈસોલેશન વોર્ડ સ્થાપવામાં આવ્યો છે.
કોરોના વાયરસ કંટ્રોલના નોડલ અધિકારી ડોકટર શફાકત ખાને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં સાત હજાર કેસોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી ૩૦૦ કેસો પર નજર રાખવામાં આવી રહી છે અને ર૭ કેસોને તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે સમયની બચતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર જમ્મુ-કાશ્મીરમાં જ એક પ્રયોગશાળાની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યું છે, કે જેથી તપાસના નમૂનાઓને બહાર મોકલવાની જરૂર પણ ન પડે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જ તેનું પરીક્ષણ કરી શકાય.