અમદાવાદ, તા.૭
હીરા વેપારી નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના ૧૧,૦૦૦ કરોડથી વધુ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આવા કૌભાંડીઓ સામે લોખંડી હાથે પગલાં લેવા તેમજ આ બાબતે કડક કાયદો અને દિશા નિર્દેશ જારી કરવાની માગણી કરવામાં આવી હતી. આ રિટ પિટિશનની પ્રાથમિક સુનાવણી બાદ ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી. એમ પંચોલીની ડિવિઝન બેન્ચે અરજદાર પ્રફૂલ દેસાઈને આ બાબતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા અને જો તેનો કોઈ ચોક્કસ સમયમર્યાદામાં યોગ્ય પ્રતિસાદ ન મળે તો ફરી વખત હાઇકોર્ટમાં પિટિશન કરવાની મુક્તિ આપતો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, આવા કૌભાંડો રોકવા માટે સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી છે. ‘જાગેગા ગુજરાત’ ટ્રસ્ટ તરફથી પાર્ટી ઇન પર્સન તરીકે પિટિશન કરતાં અરજદાર પ્રફૂલ દેસાઈએ રજૂઆત કરી હતી કે, નિરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના અનુક્રમે મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથે મિલીભગત કરીને ખોટા લેટર ઓફ ક્રેડિટ કઢાવીને અબજો રૂપિયા વિદેશી બેંકોમાંથી મેળવી લીધા હતા અને આ રીતે પંજાબ નેશનલ બેંકને ૧૧,૦૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હતો. આ નાણાં જાહેર જનતાના હતા અને આવું કૌભાંડ કરવાથી ભારે નુકસાન થયું હોવા છતાં સરકાર અને રિઝર્વ બેંક સદંતર નિષ્ફળ રહી હતી. આવા કૌભાંડ બહાર આવવાથી બેંકિંગ સિસ્ટમ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે અને અર્થતંત્રને નુકસાન જવાથી દેશને જોખમ થાય તેમ છે. આથી, આવા કૌભાંડો રોકવા માટે કેન્દ્ર સરકારને જરૂરી નિર્દેશો જારી કરવા જોઈએ. ઉપરાંત તપાસ કમિશનની રચના કરવા તેમજ બેંકોના ખાનગીકરણ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. પિટિશનની સુનાવણી બાદ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, આ મામલે અરજદાર કેન્દ્ર સરકારને રજૂઆત કરે અને અરજદારની રજૂઆત પર કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. જો ચોક્કસ સમયમર્યાદામાં કેન્દ્ર નિર્ણય ના લે તો અરજદાર હાઇકોર્ટમાં ફરી અરજી કરી શકશે. કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે, કૌભાંડો રોકવા માટે કેન્દ્ર યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે અરજદાર કેન્દ્ર સરકારને યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરે

Recent Comments