દુબઇ,તા.૫
ટી-૨૦ લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તેનો સફર પુરો કરી ચુકી છે. ચેન્નાઇ સુપર કિંગ્સના હાથે મળેલી નવ વિકેટે હાર બાદ ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું રોળાઇ ગયું હતું. પંજાબે આ સિઝનમાં ૧૪ મેચ રમી હતી જેમાંથી છ મેચોમાં જીત મેળવી હતી, જ્યારે આઠ મેચમાં પંજાબે હારનો સામનો કર્યો હતો.
ટીમની કો-ઓનર પ્રિતી ઝીન્ટાએ સિઝનની બહાર જવાને લઇને એક મેસેજ લખ્યો છે. ટીમ અને તેના પ્રશંસકો માટે એક ભાવુક મેસેજ લખ્યો છે, સાથે જ આગામી વર્ષે સારી સિઝનની પણ આશા દર્શાવી છે.
પ્રિતી ઝીન્ટાએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ મારફતે એક ફોટો શેર કરતા લખ્યું હતું કે, સમય આવી ચુક્યો છે હવે આઇપીએલ અને દુબઇને ગુડ બાય કહેવાનો. આ સિઝન એવી નહોતી રહી જેવી અમે ચાહી હતી, જોકે અમે મોટી, જોરદાર અને મજબૂત વાપસી કરીશું. ખુબ રોમાંચક પળ, હાર્ટ ઐટેક, હાઇ, લો અને યાદગાર પળ. અમે જેટલી વિચારી હતી એના કરતા ટુંકી યાત્રા હતી. જોકે હું કિંગ્સ ઇલેવન પંજાબના પ્રશંસકોનો આભાર કરવા માંગુ છું, અમારી સાથે ઊભા રહેવા માટે, અમને સપોર્ટ કરવા માટે. ધન્યવાદ આટલા શાનદાર રહેવા માટે. તમે બધા અમારી જાન છો.