(એજન્સી) ભોપાલ, તા.૬
ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટમાંથી કથિત રીતે ‘ભાજપ’ શબ્દ હટાવી દીધો છે જેની જગ્યાએ જનતાનો સેવક અને ક્રિકેટ પ્રેમી લખી કાઢ્યું છે. ત્યાર બાદથી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પ્રોફાઈલમાં ક્યારેય પણ ‘ભાજપ’ જોડ્યું ન હોતું. જો કે, હજુ આ મામલે ભાજપ કે જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. ૧૮ વર્ષ સુધી કોંગ્રેસ સાથે રહ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમના સમર્થકોને શિવરાજસિંહના મંત્રીમંડળમાં સામેલ કરવા અને તેઓને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવાની ચર્ચા હતી. પરંતુ હવે ખબર સામે આવી રહી છે કે, તેમના સમર્થક પૂર્વ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ મળવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણની કેબિનેટને લઈને ઘણીવાર સંભવિત તારીખની અનૌપચારિક જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ સંગઠનની સાથે મુખ્યમંત્રીએ સંભવિત મંત્રીઓની યાદી પણ તૈયાર કરી, જે મીડિયામાં લીક થઈ ગઈ, પરંતું કેબિનેટ વિસ્તાર ના થઈ શક્યો. બીજી તરફ કેન્દ્રીય કેબિનેટમાં સિંધિયાને સામેલ કરવાની ચર્ચા પણ ખૂબ ઓછી સંભળાય છે. જો કે, પાર્ટીમાં તેમની એન્ટ્રીને ગ્વાલિયર-ચંબલ સંભાગમાં તેમના સમર્થકોએ ખૂબ જોર-શોરથી પ્રચારિત કર્યા હતા. રાજકીય કોરિડોરમાં ચર્ચા છે કે, રાજ્યની શિવરાજ સરકારમાં તેમના સમર્થક ધારાસભ્યોને વધુ પ્રધાનપદ મળે તે સિંધિયાની દબાણ ઘડવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. હકીકતમાં, છેલ્લા દિવસોમાં જ્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મંત્રીમંડળમાં માત્ર ૫ ધારાસભ્યોનો સમાવેશ કર્યો હતો, તે સમયે સિંધિયા તરફી મંત્રીઓને ઊર્જા વિભાગ આપવા માટે કોંગ્રેસને પણ અંધારામાં રખાઈ હતી. વળી, સિંધિયાના ભાજપમાં જોડાતા સમયે ચર્ચા થઈ હતી કે તેમના સમર્થક ધારાસભ્યોમાંથી કોઈને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સિંધિયા દ્વારા ભાજપને તેમની ટ્‌વીટર પ્રોફાઈલથી હટાવવાના પગલાં અંગે અનેક અટકળો કરવામાં આવી રહી છે. અગાઉ શુક્રવારે પૂર્વ ભાજપના પ્રધાન બેલેન્દૂ શુક્લા પક્ષમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાતાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. બેલેન્દુ શુક્લાને જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે તેમના ઘરે પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બેલેન્દુ શુક્લા લાંબા સમયથી ભાજપથી નારાજ હતા.