ભાજપના પ્રદેશ પ્રમુખને તાત્કાલિક દિલ્હી બોલાવી હાઈકમાન્ડ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે આગામી ૩ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો અને અપક્ષો પૂરજોશમાં ચૂંટણીપ્રચારમાં લાગી ગયા છે. આ વખતે કોંગ્રેસના પક્ષ પલટુ ઉમેદવારોને કારણે લોકોમાં ભાજપ પ્રત્યે ભારોભાર રોષ હોવાથી તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભાજપ મોટા ભાગની બેઠક પર હારી રહ્યો હોવાનું આંતરિક સર્વેમાં જાણવા મળતા ભાજપના પ્રદેશ પ્રમુખને તાત્કાલિક દિલ્હીનું તેડું આવ્યું હતું અને તેમની સાથે રાષ્ટ્રીય નેતાઓએ ચર્ચા કરી હતી. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા વિધાનસભાની પેટા ચૂંટણી કરવાની નોબત આવી છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ આક્રમક રીતે પ્રચાર કરી રહ્યો છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ “ગાંડો હાલશે પરંતુ ગદ્દાર નહીં” તેવા કરેલા ટ્‌વીટ થી ભાજપમાં પેટમાં તેલ રેડાયું છે.જયારે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ઉમેદવારો આનો કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી. બીજીતરફ ભાજપના નેતાઓ કોંગ્રેસ સામે આક્ષેપો કરી સંતોષ માની રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો તેમના ભાષણમાં પક્ષ પલટૂઓના કારણે ચૂંટણી યોજવાની નોબત આવી, અને પ્રજાના પૈસાનો ધુમાડો થયો, તે વાત લોકોના ગળે ઉતારવામાં સફળ થઇ રહ્યા છે. પરિણામે ભાજપના ઉમેદવારો જ્યાં પણ જાય છે ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત એક બિન ગુજરાતીને પ્રદેશ પ્રમુખ બનાવાતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં અંદરખાને નારાજી વ્યાપેલી છે જ, આવા સંજોગોમાં મોટા ભાગની બેઠક ઉપર હારના સર્વેથી ભાજપના નેતાઓ બેબાકળા બન્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગ્યાસુદ્દીન શેખ તેમના સાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ પણ જે વિસ્તારમાં ચૂંટણી સભાને કે મીડિયાને સંબોધન કરે છે. ત્યાં પ્રજા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની જેમ પક્ષ પલટુઓ અને ગદ્દારોને જરૂર પાઠ ભણાવશે તેમ જણાવી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પ્રજાને અપીલ કરી રહ્યા છે કે જો એકવાર આવા ગદ્દારોને ઘરે બેસાડી દેવામાં આવે તો બીજીવાર કોઈપણ ચૂંટાયેલ પ્રતિનિધિ પક્ષ પલટો કરવાનું વિચારી શકશે નહીં. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય પ્રચારકો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા સહિતના સ્ટાર પ્રચારકો પણ આક્રમકતાથી પક્ષ પલટુઓ અને ગદ્દારો વિરૂદ્ધ તથા ભાઉ અને ભાઈ વચ્ચેના આંતરિક વિખવાદનો મુદ્દો આક્રમકતાથી ઉઠાવી રહ્યા છે. ઉપરાંત બેકારી, ખેડૂતો અને ખેતીની હાલત કફોડી, બેરોજગારી, મોંઘવારી, કોરોના ને નાથવામાં મળેલી નિષ્ફળતા, સમજ્યા વગર નાખવામાં આવેલું લોકડાઉન, મહિલાઓ પર અત્યાચાર જેવા મુદ્દાઓને પ્રજાના ગળે ઉતારવામાં સફળ થઇ રહ્યા છે. આ જ કારણસર ભાજપના ઉમેદવારોને ઠેરઠેર જાકારો મળી રહ્યો છે .આ તબક્કે ભાજપના આંતરિક સર્વેમાં હાર મળી રહી હોવાનું ખુલવા પામતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વાત દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને તાત્કાલિક દિલ્હી બોલાવાયા હતા અને તેમની સાથે આગળની રણનીતી અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ડેમેજ કંટ્રોલ કરવા પેટા ચૂંટણી અગાઉ એકાદવાર ગુજરાતનો આંટો મારે તેવી ભાજપના સૂત્રોમાં ચર્ચા ચાલી રહી છે