(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
રાજદ્રોહના ગુનામાં તારીખ હોવાથી હાજર રહેલા હાર્દિક પટેલ માસ્ક પહેરીને કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, પક્ષપલટો કરનાર નેતાઓને લોકોએ જાહેરમાં માર મારવો જોઈએ. મુયમંત્રીના બંગલે જ ૫૦ કરોડમાં વેચાતા ધારાસભ્યો લોકશાહી માટે શરમજનક ઘટના છે. સાથે જ હાર્દિકે કોંગ્રેસ છોડીને આપમાં જવાનો હોવાની વાતને અફવા ગણાવી હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલી કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ માસ્ક પહેરીને હાજર થયો હતો. કોર્ટમાં જરૂરી કાર્યવાહી પુર્ણ કર્યા બાદ નીચે ઉતરીને કોર્ટ પરીસરમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજાના મત સાથે ચૂંટાયેલા નેતાઓ રૂપિયાની લાલચમાં જતાં રહે એ પ્રજા સાથે દ્રોહ કર્યો કહેવાય. લોકોએ આવા નેતાઓને પારખી લેવાની જરૂર છે. કોઈપણ પક્ષના નેતાઓ હોય તે પ્રજાના મતથી ચૂંટાયા છે. કોંગ્રેસના નેતાઓને ખરીદવા માટે ભાજપના મુયમંત્રીએ જોર લગાવવું પડે એ લોકો સાથે છેતરપિંડી કરી જ કહેવાય. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવાના મુદ્દે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું. ભાજપના લોકો દ્વારા જ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.હું કોંગ્રેસ છોડવાનો નથી અને મને કોઈ એવી ઓફર પણ નથી.