(એજન્સી) તા.૩૧
જ્યારે તે મધ્યપ્રદેશના હાઈવે પર રોકાયો ત્યારે તેણે કાતર વડે તેના પગનો પ્લાસ્ટર કાપી નાખ્યો હતો, આ સાથે જ ભંવરલાલનો આ ફોટો લોકડાઉનને પગલે સ્થળાંતર કરી ઘરે જઈ રહેલા મજૂરોની સ્થિતિ દર્શાવતું રાષ્ટ્રીય સ્ક્રીનશોટ બની ગયું હતું. મધ્યપ્રદેશના પિપરિયામાં દૈનિક મજૂરી કરતાં ભંવરલાલના પગમાં ઈજા પહોંચતા પ્લાસ્ટરનો પાટો બાંધવામાં આવ્યો હતો. તેણે એક ન્યુઝચેનલને જણાવ્યું હતું કે “હું ૫૦૦ કિમી સુધી એક વાહનમાં આવ્યો હતો અને હવે હું મારા ગામ અને મારા પરિવાર સુધી પહોંચવા માટે તત્પર છું” ભંવરલાલ રાજસ્થાનનો વતની છે અને તેણે બાકીના ૨૪૦ કિમી પગપાળા ચાલી તેના ઘરે પહોંચવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું હતું કે, “હું જાણુ છુ કે, સુરક્ષાના પગલારૂપે પોલીસે સરહદ પર લોકોની હિલચાલ બંધ કરી છે પરંતુ હવે મારી પાસે વિકલ્પ નથી. મારો પરિવાર એકલો છે અને હવે મારી પાસે કામ નથી કે હું તેમને પૈસા મોકલી શકું આથી મારે પ્લાસ્ટર કાપી ચાલવું પડ્યું” ગયા મંગળવારે વડાપ્રધાન મોેદીએ કોરોના વાયરસને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સાથે જ જાહેર વાહનવ્યવહાર, ફેકટરીઓ અને બાંધકામો બંધ થઈ ગયાં હતાં આવી પરિસ્થિતિમાં સ્થળાંતરિત થયેલા મજૂરો પાસે પગપાળા ઘરે જવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો.