પાટણ, તા.૭
પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના પ્રથમ કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિનું સારવાર દરમ્યાન અવસાન થયું છે. તેમની સાથે રહેતા પ૧ વર્ષીય વ્યક્તિનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા અન્ય ૩ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોવિડ-૧૯ના કુલ પ કેસ નોંધાયા છે. ગત તા.૧૯ માર્ચના રોજ મુંબઈથી આવી સિદ્ધપુરની તમન્ના સોસાયટી ખાતે રહેતા ૪પ વર્ષીય પુરૂષને તાવની સારવાર બાદ તબિયત વધુ લથડતા તા.૩ માર્ચના રોજ ધારપુર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિનું ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થતા જિલ્લામાં કોરોના વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. તેમની સાથે રહેતા અને તેમના સંપર્કમાં આવેલા કુલ ૧૯ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ પોઝિટિવ કેસના સંબંધી એવા પ૧ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવવા સાથે પ્રથમ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા નેદ્રા ગામના ર૧ વર્ષીય, ૪૮ વર્ષીય અને પ૧ વર્ષીય એમ વધુ ૩ વ્યક્તિઓના કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી જિલ્લામાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસની સંખ્યા પાંચ થઈ છે જે પૈકી પ્રથમ પોઝિટિવ કેસનું અવસાન થયું છે તથા અન્ય ૪ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. મૃતકની દફનવિધિ સિદ્ધપુર તાલુકાના પાથાવાડા ગામે કરવામાં આવી હતી.
જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે તા.૭ એપ્રિલના રોજ ૮ જેટલા ટેસ્ટ સેમ્પલ સહિત અત્યાર સુધીમાં કુલ ૭૪ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ ૪૩૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે ર૩ જેટલા મુસાફરોને સરકારી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારિત હાઉસ ટુ હાઉસ સર્વેમાં તા.૭ એપ્રિલના રોજ ૪પ,૯૯ર ઘરોની મુલાકાત લઈ ર,૧૯,ર૯૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા ૯૬૦ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧ર જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૪૯૭ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૬૬-૨૩૪૨૯૫ પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે.