(એજન્સી) તા.૨૬
વિઝા શરતોના ભંગના આરોપનો સામનો કરી રહેલા તબ્લીગી જમાત સાથે સંકળાયેલા નવ મલેશિયન અને નવ બાંગ્લાદેશી નાગરિકોને પટણા હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. આ કેસના સંચાલક વકીલ ઝેડ.એ.મુજાહિદે જણાવ્યું કે અરરિયા અને નરપતગંજ પોલીસ સ્ટેશને નોંધાયેલા તમામ કેસના આરોપી વિદેશી નાગરિકો વિરુદ્ધની એફઆઈઆર હાઈકોર્ટે રદ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન અરરિયા જામા મસ્જિદ તથા નરપતગંજના રેવાહી મરકઝથી ૧૪ એપ્રિલે ૧૮ વિદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ તમામ વિદેશી નાગરિક સેશન જજ દ્વારા આપવામાં આવેલા ૯ જૂનના જામીન પર મુક્ત થયા હતા પરંતુ કેસના નિકાલ સુધી તેમને ભારત છોડવાની મંજૂરી અપાઈ નહોતી. એડવોકેટ ઝેડ એ મુજાહિદે જણાવ્યું કે જામીન બાદ બંને એફઆઈઆર વિરુદ્ધ રિટ અરજી હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. તેમાં અરજદાર વતી વરિષ્ઠ વકીલ પી.કે.શાહી, માજિદ મહેબૂબ ખાન, આલોક રંજને જુદી જુદી તારીખો પર આયોજિત દલીલોમાં ભાગ લીધો હતો. જોકે ભારત સરકાર તથા બિહાર સરકાર તરફથી સોલિસીટર જનરલ ડૉ. કે.એન.સિંહ તથા અપર મહાધિવક્તા અંજની કુમારે પોતાનો પક્ષ રજૂ કર્યો. જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદે પોતાના આદેશમાં જણાવ્યું કે સ્થાપિત કાયદાની ભ્રામક અવધારાણાને લીધે જ પોલીસે વિદેશીઓને અપરાધી બનાવ્યા છે. કોર્ટે રાજ્ય તથા કેન્દ્રને આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વિદેશી નાગરિકોને મુક્ત કરીને તેમના વતન પાછા મોકલવામાં આવે. તમને જણાવી દઈએ કે મલેશિયાના સૈફુલ, મોહમ્મદ, મો. ઈમરાન, અહમદ ફદજલી, મો.એસકન્દર અલફિકાર, મસતરી, અબ્દુલ રહમાની, મો. ફૈરુઝ તથા અબ્દુલ હરીથ તથા બાંગ્લાદેશના મો. એનામુલ, મહેબુર્બુરહેમાન, મો અમલામુન સરકાર, મો. મોતાહર હુસૈન, મો. અફઝલ હુસૈન રકીફ, મો. મોકમ્મિલ હક, કે.એમ.અમીનુલ હક, મો. હબીર્બુરહેમાન તથા મો.શાહજહાંનો સમાવેશ થાય છે.