(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીના એક ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરતા કહ્યું કે, ટૂંક સમયમાં જ તેઓ પોતાના અંગત ફિટનેસ વીડિયો શેર કરશે. આ અગાઉ બુધવારે કોહલીએ ટ્‌વીટ કરીને સૂચના તેમજ પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવેલ એક ફિટનેસ ઝુંબેશમાં પીએમ મોદી સામે પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાને કોહલીના ચેલેન્જને સ્વીકારીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્‌વીટમાં કહ્યું કે તેમને પડકાર સ્વીકાર છે. વિરાટ હું ટૂંક સમયમાં જ ફિટનેસ વીડિયો જાહેર કરીશ અને હેશટેગ કરીને લખ્યું કે, હમ ફિટ તો ઈન્ડિયા ફિટ. બુધવારે વિરાટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેઓ જીમમાં નજરે પડ્યા હતા. વિરાટે ટ્‌વીટમાં લખ્યું હતું કે તેમણે રાજ્યવર્ધન સિંહ રાઠોડના ફિટનેસ ચેલેન્જને સ્વીકાર્યો છે. સર હું હવે પત્ની અનુષ્કા શર્મા અને વડાપ્રધાન મોદી તેમજ એમ.એસ. ધોનીને પડકાર આપું છું. હમ ફિટ તો ઈન્ડિયા ફિટ, હેશટેગ કમ આઉટ એન્ડ પ્લે. ઓલિમ્પિક શૂટર રાઠોડે એક ઓનલાઈન ફિટનેસ ઝુંબેશ શરૂ કરી સોશિયલ મીડિયા પર ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો.

કોહલી પછી તેજસ્વી યાદવે પીએમ મોદીને પડકાર્યા પરંતુ ફિટનેશ અંગે નહીં

ક્રિકેટર વિરાટ કોહલીએ ગુરૂવારે ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદીને ફિટનેસ જાહેર કરવા માટે પડકાર્યા હતા. પીએમ મોદીને અન્ય એક પડકાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) નેતા તેજસ્વી યાદવે પડકાર ફેંક્યો છે. પરંતુ આ પડકાર ફિટનેસ માટે આપવામાં આવ્યો ન હોત. રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ ક્રિકેટ રમતા હતા. તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદીને યુવા રોજગાર, ખેડૂતોને રાહત, દલિતો અને લઘુમતીઓ વિરૂદ્ધના અત્યાચારો હિંસા નહીં આચરવાનું વચન આપવાનો પડકાર સ્વીકારવાનો પડકાર ફેંક્યો હતો.

વિરાટના ફિટનેસ ચેલેન્જ બાદ રાહુલે ફ્યુઅલ ચેલેન્જ ફેંક્યો

નવીદિલ્હી,તા. ૨૪
ફિટનેસ ચેલેન્જર કેમ્પેઇનને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા છે. ટિ્‌વટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ડીયર પીએમ એ બાબત જોઇને ખુશી થઇ છે કે, વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને તમે સ્વીકારી લીધું છે. હવે તેઓ પણ આપને એક ચેલેન્જ આપવા માંગે છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું છે કે, દેશમાં વધતા જતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરો અથવા તો કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીને આપને આવું કરવા માટે ફરજ પાડશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપની પ્રતિક્રિયાનો ઇંતઝાર રહેશે. કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે શરૂ કરેલા હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ચેલેન્જની સોશિયલ મિડિયા ઉપર ખુબ ચર્ચા થઇ રહી છે. બીજી બાજુ મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરીને કહ્યં છે કે, તેઓ ટૂંક સમયમાં જ વિડિયો શેયર કરશે. બીજી બાજુ ફ્યુઅલ પ્રાઇઝના મુદ્દા પર કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ એકમત છે. ગુરુવારના દિવસે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, મોદીના શાસનકાળમાં ફ્યુઅલની કિંમતો સતત ૧૧માં દિવસે વધી ગઈ છે. તેમના કેબિનેટના મંત્રી ચેતવણી આપે છે કે, જો ફ્યુઅલની કિંમત ઘટશે તો જનકલ્યાણ સાથે જોડાયેલી તમામ યોજનાઓ ઉપર ખર્ચ ઘટી જશે. ફ્યુઅલની કિંમતો ઓછી કરવા માટે વડાપ્રધાન ચાર્જને ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યા નથી. છેલ્લા ચાર વર્ષમાં લૂંટી લેવામાં આવેલા ૧૦ લાખ કરોડ રૂપિયાના ઉપયોગ કરવાના પડકારને મોદી સ્વીકાર કરશે કે કેમ. આ પહેલા લાલૂ પ્રસાસદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે, વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરવાને લઇને અમે વિરુદ્ધ નથી. પરંતુ અમે નિવેદન કરીએ છીેએ કે યુવાનોને રોજગારી, ખેડૂતોને દેવા માફી અને દલિતો અને લઘુમતિઓની સામે હિંસા રોકવાના વચનને પાળીને તેમના પડકારનો સ્વીકાર કરો. તેજસ્વીએ આ રીતે મોદી પર પ્રહારો કર્યા છે.