નડિયાદ, તા.૮
આજે ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભવન્સ કોલેજના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સાવ યોજાયો હતો.
ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્ધારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. જેને નિહાળી વિદેશથી આવેલા પતંગબાજો પણ ઝુમી ઉઠ્યા હતા.
ગુજરાતની જનતા ઉત્સયવપ્રિય જનતા છે. ગુજરાતમાં ૨૦૦થી પણ વધુ ઉત્સવો વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે તેમાં પણ પતંગોત્સવના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિનું નામ દેશ અને દુનિયામાં રોશન થયું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને રણોત્સવ જેવા ઉત્સવ ઉજવવાના કારણે દેશ-વિદેશના પર્યટકો ગુજરાત તરફ આવે છે. તેમ ખેડાના સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ડાકોરના આંગણે આવેલ અને ભારતમાં પહેલીવાર પતંગ પહોત્સવમાં ભાગ લેનાર ન્યુટઝીલેન્ડના રોબર્ટ વાનવીરે જણાવ્યું હતુ કે, મને આનંદ થયો, બહુ ગમ્યું, મઝામાણી. ગુજરાતના લોકોએ મારૂં દિલ જીત્યું છે હું ફરી આવીશ.
યુક્રેઇનના શ્રી વોલોડીમીર ઇમીલીઓનાયએ જણાવ્યું હતું કે, અમે ત્રણ જણા, હું મારી દિકરી અને જમાઇ આવ્યો છીએ. ભારત બહુ સારો દેશ છે. હું આવતા વર્ષે પણ આવીશ. હું છેલ્લાં છ વર્ષથી આવું છું. પતંગ મહોત્સવની મઝા માણું છું.
તામિલનાડુના સુંદરમૂર્તિએ જણાવ્યું હતું કે, તામિલનાડુમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. ત્યારે હું મારો પતંગ ચગાવવાનો શોખ પુરો કરવા છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાત આવું છું અને આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલેક્ટર ડો.કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુધિર પટેલ, નિવાસી અધિક કલેક્ટર રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી ઠાસરા શ્રી અર્પીત સાગર, ઉપસ્થિત રહયા હતા.