જામનગર, તા.૨૮
જામનગર નજીકના સિક્કામાં રહેતા એક આદિવાસી પરિણીતાએ પતિ પાસે ટીવી જોવા માટે મોબાઈલ માગતા પતિએ ફોન આપવાની ના પાડી હતી જેથી માઠું લાગી આવતા આ મહિલાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. જ્યારે ઝાખરના એક યુવાને નવો મોબાઈલ લેવાની જીદ પૂરી ન થતાં ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. ઉપરાંત નગરના એક કોલેજિયન યુવાને પરિણામમાં એટીકેટી આવતા મોતની રાહ પકડી છે. પોલીસે બત્રેય બનાવોની તપાસ આરંભી છે.
જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ટીપીએસ કોલોનીમાં વસવાટ કરતા પ્રવિણ ધમાભાઈ હઠીલા નામના આદિવાસી યુવાન (ઉ.વ.રર)ની પત્ની નરજુબેને પતિના એન્ડ્રોઈડ મોબાઈલમાં ટીવી જોવા માટે ઈચ્છા થતા મોબાઈલ માગ્યો હતો, પરંતુ પતિએ મોબાઈલ આપવાની ના પાડતા માઠું લાગી આવતા ગઈકાલે સવારે નરજુબેને પોતાના ઓરડામાં ઓઢણી વડે છતના હુંકમાં ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની સાંજે કામ પરથી આવેલા પતિ પ્રવિણભાઈને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરતાં સિક્કાના ઈન્ચાર્જ પીએસઆઈ ડી.એસ. વાઢેરે મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ખસેડ્યો છે.
બીજા બનાવમાં લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસે આવેલી આશાપુરા લોજ પાછળની વાડીમાં રહેતા બુધેશભાઈ શામજીભાઈ પરમાર પાસે ત્રણ-ચાર દિવસ પહેલા તેના નાનાભાઈ કરશન (ઉ.વ.ર૦)એ ટચ સ્ક્રીનવાળો મોબાઈલ ખરીદી આપવા માટે માગણી મૂકી હતી, પરંતુ થોડા દિવસ પહેલા જ પરિવારમાં અવસાન થયું હોય અને ધાર્મિકવિધિ હજુ કરવાની બાકી હોય, બુધેશભાઈએ થોડા દિવસ પછી મોબાઈલ લઈ આપીશ તેમ કહેતા કરશનભાઈને માઠું લાગ્યું હતું. શનિવારે પોતાના ઘરેથી નીકળી પોતાની જાતે જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી જેની જાણ થતા બુધેશભાઈએ તેઓને સારવારમાં ખસેડ્યા હતા જ્યાં શનિવારે રાત્રે જ કરશનભાઈનું મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોકમાં રહેતા પ્રિયાંક મનહરભાઈ પંડ્યા નામના યુવાને ગયા શુક્રવારની રાત્રે જ્યારે પોતાનો પરિવાર સૂવા માટે ગયો તે પછી સાડા દસ વાગ્યાથી શનિવારની બપોર સુધીના કોઈપણ સમયમાં પોતાના ઓરડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી જેની શનિવારે બપોરે તેમના પિતા મનહરભાઈ પ્રભાશંકર પંડ્યા અને અન્ય પરિવારજનોને થતાં તેઓએ રોક્કળ કરી મૂકી હતી.
આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પિતા મનહરભાઈનું નિવેદન નોંધ્યું હતું જેમાં ખૂલ્યા મુજબ હાલમાં કોલેજમાં અભ્યાસ કરતા પ્રિયાંકને તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામમાં એટીકેટી આવી હતી જેના કારણે પ્રિયાંક હતાશ થયો હતો. પોલીસે ઉપરોક્ત નિવેદનની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.