(એજન્સી) કોચી, તા.૯
કેરળની એક ૨૭ વર્ષીય મહિલા, કે જેણે પોતાની ગર્ભાવસ્થાનો હવાલો આપીને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માંથી સ્વદેશ પરત ફરવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં, તેને વંદે ભારત મિશન હેઠળ પહેલી ફ્લાઈટમાં ઘરે લાવવામાં આવી હતી. આ મહિલાએ મંગળવારે કોઝિકોડે જિલ્લામાં આવેલી એક હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
જો કે, આ મહિલા માટે તેની બાળકીના જન્મના સારા સમાચારની સાથે એક દુઃખદ સમાચાર પણ છે, કે આ મહિલાના પતિ, કે જેણે સ્વદેશ પરત ફરવાની તેણીનીની કાયદેસરની અરજી માટે તેને પ્રોત્સાહન આપ્યું હતું તે યુએઈમાં જ રહ્યો હતો. પરંતુ સોમવારે અચાનક ૨૮ વર્ષીય નિતિનને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતાં તેનું મોત નીપજ્યું હતું.
આ દંપતી સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવતાં પલક્કડના ધારાસભ્ય શફી પરમબિલે ફેસબુક પર લખ્યું હતું કે, અથિરા ગીતા શ્રીધરને એક બાળકીને જન્મ આપ્યો છે. “અથિરાને પરી જેવી બાળકીને જન્મ આપવાની જેટલી ખુશી છે, તેટલું જ દુઃખ પોતાના પતિને ગુમાવવાનું છે. વિશ્વની કોઈપણ માતા પાસે સુખ અને દુઃખની આ ઘડીને સહન કરવાની માનસિક તાકાત ન હોઈ શકે.”
અથિરાના પરિવારે જણાવ્યું છે કે, નિતિનનું નિધન થયું છે તેની જાણ અથિરાને નહોતી. જ્યારે અમને નિતિનના નિધનના સમાચાર મળ્યાં ત્યાર પછી અમે તેના નશ્વર દેહને કેરળ પાછા લાવવાના અમારા પ્રયાસો ચાલુ કરી દીધાં છે.
નિતિન એક મિકેનિકલ એન્જિનિયર હતો, જ્યારે અથિરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર છે. આ દંપતી દુબઈની ખાનગી કંપનીમાં સાથે નોકરી કરી રહ્યાં હતાં.