(સવાદદાતા દ્વારા)
શહેરા, તા.૧૮
શહેરા તાલુકાના બોરીયા ગામના દંપતીનું હારેડાથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. માનસિક અસ્થિરતા ધરાવતાં પતિએ કેનાલમાં પડતું મૂકતા તેની પત્નીએ બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જેથી બંન્નેના કેનાલના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે.
માનસિક અસ્વથ પતિને કેનાલમાં પડી મોતને વ્હાલું કરતી વેળાએ પત્નીએ પણ પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવી પતિને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. શહેરા તાલુકાના બોરીયા ગામે કટારા ફળિયામાં રહેતાં દશરથભાઈ સોમાભાઈ કટારાના લગ્ન શોભનાબેન સાથે થયા હતા. દરમિયાન દશરથભાઈ માનસિક અસ્વસ્થ થતાં જ સૌ ચિંતાતુર બન્યા હતા. દશરથભાઈ ગોધરા તાલુકાના હારેડાથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર પહોંચી ગયા હતા અને કેનાલમાં પડી પોતાની જિંદગીનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેઓના પત્ની શોભનાબેન ત્યાં ઉપસ્થિત હોવાથી તેઓએ પોતાના પતિને ડૂબતા બચાવવા કેનાલમાં ઝપલાવ્યું હતું. દરમિયાન બંન્ને કેનાલમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. બનાવ અંગે મૃતકના ભત્રીજાએ કાંકણપુર પોલીસ મથકે જાણ કરી છે. એક સાથે પતિ પત્ની બંન્ને મોતને ભેટતાં પરિવારમાં શોક છવાયો છે.