અમદાવાદ, તા.૧૬
દેશમાં લગ્ન માટેની વેબસાઇટો મારફતે થતા લગ્નો બાબતે ગંભીર નોંધ લેતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું હતું કે, વેબસાઇટો મારફતે થતા લગ્નો ઝડપથી તુટી રહ્યા છે અને તે બાબતનો મુદ્દો જાહેર હિતની અરજી કરીને કોઇએ ઉઠાવવો જોઇએ. વેબસાઇટ મારફતે લગ્નોત્સુક ઉમેદવારીની પસંદગી દરમિયાન તેમની પાછલી જીંદગીની બીજી બાબતોની ખરાઇ કરવામાં આવતી નથી તે બાબતે કોર્ટે આવી ટકોર કરી હતી. કેસની વિગતો મુજબ શહેરમાં રહેતા અશ્વિન અને પ્રેરણાની મુલાકાત એક લગ્ન વેબસાઇટ ઉપર થઇ હતી અને ત્યારબાદ ચાર વર્ષ અગાઉ તેમણે લગ્ન કરી લીધા હતા. લગ્નજીવન દરમિયાન યુગલે એક પુત્રને જન્મ આપ્યો હતો જે હાલમાં અઢી વર્ષનો છે. પરંતુ તાજેતરમાં અશ્વિનને પ્રેરણાના ભૂતકાળ વિશે માહિતી મળતા બન્નેના લગ્નજીવનમાં ઝંઝાવાત સર્જાયો હતો. અશ્વિનને ખબર પડી હતી કે, પ્રેરણા અગાઉ પરણેલી છે અને તેની પહેલા પતિને છૂટાછેડા આપ્યા વગર જ પોતાની સાથે બીજીવાર લગ્ન કરી લીધા હતા. એટલું જ નહિ પ્રેરણાને તેના પતિ તરફથી ભરણ પોષણ પણ મળતું હતું. આ બાબતે અશ્વિનના પરિવારે ખુલાસો પૂછતા પ્રેરણા પાસે કોઇ જવાબ નહોતો અને તેણે પતિ અને સાસરીયાએ સાથે ઝઘડા ચાલુ કહી દીધા હતા. અંતે તે પુત્ર સાથે પોતાના પિયર ચાલી ગઇ હતી તેમજ પતિ અને સાસરીયાઓને પુત્રને મળવા દેતી નહોતી. દરિમયાન અશ્વિન સહિત સાત પરિવારજનો વિરુધ્ધ તેણે ફરિયાદ નોધાવી હતી બીજી બાજુ અશ્વિને પણ પ્રેરણા વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. દરિમયાન અશ્વિન અને તેના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની ફરિયાદ રદ્દ કરવાની અરજ કરી હતી. આથી જસ્ટીસ જે. બી. પારડીવાલાએ બન્નેને હાજર રહેવા આદેશ કર્યો હતો અને સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ પ્રેરણાએ સાફ ઇનકાર કરી દીધો હતો. આમ લગ્નજીવન તુટવાના આરે આવીને ઉભુ રહી ગયું છે. સુનાવણી દરમિયાન જસ્ટીસે ટકોર કર હતી કે, વેબસાઇટોના માધ્યમથી થતાં લગ્ન તૂટી રહ્યા છે. આપણે અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આવનારી પેઢી માટે કેવા દિવસો આવશે તે ખબર નથી. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, પતિ-પત્નીએ તેમના વિવાદ ઉકેલવા માટે પોલીસ ફરિયાદ કરવાના બદલે આંતરિક સમજૂતીથી તેનો ઉકેલ લાવવો જોઈએ. આ પ્રકારની મેરેજ વેબસાઈટના સામે એક જાહેરહિતની અરજી કરવી જોઈએ. હાઈકોર્ટે અરજદાર પતિને વચગાળાની રાહત આપી છે અને પતિ સામે હાલ કોઈ પગલા લેવા નહીં તેવો આદેશ કર્યો છે. જો કે, પતિએ તપાસમાં સહયોગ આપવાનો રહેશે. સુનાવણી દરમિયાન અરજદાર પતિના વકીલની રજૂઆત હતી કે, તેના સાડા ત્રણ વર્ષના બાળકની સલામતી તેની માતા સાથે નથી. બીજી તરફ, હાઈકોર્ટે પત્નીએ રડમસ અવાજ સાથે રજૂઆત કરી હતી કે, તે ભયાનક માનસિક યાતનામાંથી પસાર થઈ રહી છે..તેનો પતિ તેને ત્રાસ આપે છે..આ પછી, હાઈકોર્ટે મહિલાને નિર્દેશ આપ્યો છે કે, તમે સ્વસ્થ થાઓ, વકીલ રોકો અને પછી આ અરજી પર સુનાવણી કરીશુ. આ કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ હાથ ધરાશે.