(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
પતિ સાથે જમવા બાબતે ઝઘડો થયા બાદ પોતાના ૩ વર્ષના દીકરા સાથે ઘરેથી ગત તા.૧૯મીએ જતી રહેલી પરિણીતા અને બાળકની લાશ ગતરોજ કતારગામ તાપી નદીમાંથી મળી આવી હતી. આ બનાવ સંદર્ભે પરિણીતાના પતિએ તેના વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોધાવી હતી.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ કોસાડ આવાસમાં રહેતા સંજય બાદલના લગ્ન હેમલતા સાથે થયા હતા. લગ્ન થકી દંપતીને સંતાનમાં એક પુત્ર હતો. ગત તા.૧૮મીએ હેમલતાનો પતિ સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો અને તેણી પોતાના ૩ વર્ષીય પુત્ર શૌર્ય સાથે ઘરેથી ચાલી નીકળી હતી. બાદ ચારે તરફ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોએ ૧૯મીએ તેણીના ગુમ થયા અંગેની જાણ અમરોલી પોલીસને કરી હતી. પોલીસે મિસિંગ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સોમવારે મા-દીકરાની લાશ કતારગામ નજીક તાપીમાંથી મળી આવી હતી. કતારગામ પોલીસે લાશોનો કબજો લઇ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપી હતી. ઘટના અંગે વધુ તપાસ કતારગામ પોલીસ ચલાવી રહી છે. ઘરેથી નીકળેલા માં-દીકરાની લાશ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ પોલીસ ઘટનાને લઇને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. સંજયભાઇએ મૃતક પત્ની હેમલતા વિરૂદ્ધ પુત્રને મારી નાંખવા સંદર્ભે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.