ભરૂચ,તા.રર
ભરૂચ એબીસી ચોકડી નજીક નંદેલાવ બ્રિજ પાસેની કચરાની ડમ્પીંગ સાઈટમાં દાટી દીધેલી હાલતમાં પરિણીત મહિલાની મળી આવેલી વિકૃત લાશની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સનસનાટીભરી આ ઘટનામાં પતિએ બીજા સંતાનની માતા બનવાની પ્રબળ ઈચ્છા રાખતી પત્નીએ ગર્ભપાત ન કરાવતા ઉશ્કેરાયેલા પતિએ રાત્રીના સમયે પત્નીનું ગળું દબાવી ધારદાર બ્લેડ ગળે ફેરવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની લાશને સગેવગે કરવા પતિએ તેની કારમાં ડેડબોડીને નાંખી નંદેલાવ બ્રિજ નજીકના કચરાના ઢગલામાં સંતાડી દીધી હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
ભરૂચ નંદેલાવ બ્રિજ નજીક ગંદા કચરાની ડમ્પીંગ સાઈટમાંથી એક મહિલાનો વિકૃત હાલતમાં દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવયો હતો. બિનવારસી હાલતમાં મળી આવેલા આ મૃતદેહની સી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર.ડી. કવા અને તેમની ટીમે તપાસ કરતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચના મકતમપુર રોડપર , જીઈબી કચેરી નજીક આવેલી રચનાનગર સોસાયટીમાં રહેતા સંદીપ ભરતભાઈ બેરાવાલાના લગ્ન વિલાસ બેરાવાલા (ઉ.વ.૩૪) સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેમને એક ૧ર વર્ષની પુત્રી મુકિત હતી એક પુત્રી બાદ તાજેતરમાં વિલાસબેનને સાડા ત્રણ મહિનાનો ગર્ભ રહી જતા આ બાબતને લઈ સંદીપ અને વિલાસ વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ હતી. પતિ સંદીપને વિલાસ ફરીથી માતા બને તેમાં કોઈક કારણસર ઇચ્છા ન હતી.
દરમ્યાન વિલાસ ગર્ભવતી બનતા સંદીપે તેને ગર્ભપાત કરાવવા દબાણ કરાવનું શરૂ કર્યું હતું જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયા કરતો હતો. આ મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ૧૦ દિવસ અગાઉ રાત્રીના સમયે સંદીપે પત્ની વિલાસ સાથે ગર્ભપાત કરાવવાની બાબતે ઝઘડો કરી તેને મારમારી તેનું ગળું દબાવી દીધું હતું. સંદીપે પત્નીનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કરી લીધું હોય તેમ તીક્ષ્ણ બ્લેડ દ્વારા ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘરમાં જ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ સંદીપ બેરાવાલાએ લાશને ઠેકાણે પાડવા માટે પોતાની અર્ટીંગા કારમાં પત્નીની લાશને નાંખી રાત્રીના અંધકારમાં ભરૂચ નંદલાવ નજીક આવેલા ગંદા કચરાના ઢગલામાં લાશને ફેંકી દાટી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે વિલાસબેન લાપતા હોવાથી તેમના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ ૧૦ દિવસ અગાઉ ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. ઘટનામાં પોલીસે પતિ સંદીપ બેરાવાલા વિરુધ્ધ હત્યાનો મામલો દર્જ કરી તેને ઝડપી પાડયો હતો.