અંકલેશ્વર, તા.ર૩
અંકલેશ્વર-ભરૂચ રેલ્વે ટ્રેક પાસેથી નવસારીનાં યુવાનની લાશ મળી આવી હતી. શહેર પોલીસે મૃતકના ભાઈની ઓળખ બાદ તેનીજ પત્નીએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધી છે. મૃતક ઈસમ લવમેરેજ થયા બાદ પત્નીના અન્ય જોડે પણ લવ અફેરની પતિને ખબર પડતા અવારનવાર ઝગડા થતા હતા.પત્ની દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને પત્નીએ અન્ય સાથે મળી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાય છે.
મૂળ સુરત કોસાડ ખાતે રહેતા અને ચાર વર્ષથી પ્રેમિકા જોડે લગ્ન કરી નવસારી ખાતે રહેતા સમીર બાબુભાઇ શેખનો મૃતદેહ ગત ૨૦ મીના રોજ અંકલેશ્વર- ભરૂચ રેલ્વે ટ્રેક પાસે ડાઉન ટ્રેક પોલ વચ્ચે ટ્રેકથી ૨૦ ફૂટ દૂર મળી આવ્યો હતો. જે અંગે શહેર પોલીસ તે જાણ થતા તેમણે મૃતદેહ પાસે મળેલા પુરાવા સાથે સુરત ખાતે મૃતક સમીર શેખના નાના ભાઈ આમિરખાનનો ફોન પર સંર્પક કર્યો હતો. આમીરખાન અને તેના મોટા ભાઈ શબ્બીરભાઈ ઉર્ફે બાબા શેખ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા જ્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવેલ મૃતદેહ ઓળખી કાઢતા તે મૃતદેહ તેમના ભાઈ સમીરનો હોવાનું જણાવ્યું હતું. પોલીસ સમક્ષ શબ્બીરભાઈ શેખએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ભાઈ સમીર ૪ વર્ષ પૂર્વે સોસાયટીમાં રહેતી સુધાબેન જોડે લગ્ન કરી નવસારી ખાતે જલાલ પોર ખાતે રહેતો હતો. તેના નાનાભાઈ આમીરખાન પર મૃતક સમીરનો એક દિવસ પૂર્વે તેના પર ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેની પત્ની સુધા અન્ય જોડે મોટર સાઇકલ બેસી જતા જોઈ છે તેનું અન્ય કોઈ જોડે પ્રેમ પ્રકરણ ચાલે છે. જેને લઇ અવારનવાર ઝગડા થાય છે. અને સુધા અવારનવાર તેને મારી નાખવાની ધમકી આપે છે. જેથી કંટાળી હું ક્યાંક જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે આધારે સુધાબેન દ્વારા તેના પતિ સમીરની અન્ય કોઈ ઈસમ સાથે અન્ય સ્થળે હત્યા કરી પુરાવાના નાશ રૂપે તેનો મૃતદેહ અહીં નાખી ગઈ છે. તેવી આશંકા સાથે શબ્બીરભાઈએ તેની જ ભાભી વિરુદ્ધ હત્યાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે શકદાર તરીકે સુધાબેન સમીરભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ.જે.જી અમીનએ હાથ ધરી હતી. આ અંગે શહેર પી.આઈ.જે.જી અમીનએ જણાવ્યું હતું કે ફરિયાદ આધારે તાપાસ ચાલુ છે. હાલ તો ફરિયાદી શબ્બીરભાઈ શેખની આશંકા સાથે સુધાબેન વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલી રહી છે.