અમદાવાદ, તા.૧૭
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં હત્યાની કોશિશનો બનાવ બન્યો છે. એક યુવક તેના મિત્રને મળીને તેની પત્નીને લેવા જવાનું કહ્યું હતું. તો યુવકે નહાઈને જઈએ તેમ કહેતા આ યુવક આવેશમાં આવી ગયો અને છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોલાના ચાણક્યપુરીમાં રહેતો માંગીરાય ચૌધરી તેના પરિવાર સાથે ભાડે રહે છે.
સવારે તેની પત્નીને ભાઈને ત્યાં મૂકવા ગયો હતો. ત્યાં પેટ્રોલ પૂરું થઈ જતા તે વાહન લઈને પરત આવતો હતો. ત્યારે ત્યાં રાકેશ ઉર્ફે રાકલો મળ્યો હતો. રાકેશે કહ્યું કે તેની પત્ની રિસાઈને ગઈ છે તો તેને જઈને લઈ આવીએ. ત્યારે માંગીરાવે કહ્યું કે હું નહાયો નથી, નહાયા પછી જઈએ. આ વાત સાંભળીને રાકેશ આવેશમાં આવી ગયો હતો અને ત્યાં રહેતા અન્ય લોકો સાથે બબાલ કરી અને બાદમાં માંગીરાવ સાથે બબાલ કરીને તેને પેટના ભાગે છરી મારી દીધી હતી. માંગીરાવને ઈજાઓ પહોંચતા તેને હૉસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ સોલા પોલીસને જાણ કરાતા પોલીસે રાકેશ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.