(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૬
વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકાનાં ગવાસદ ગામે ૨૦ દિવસ પહેલાં જ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કરી રહેતી પત્ની અને પાંચ વર્ષનાં માસુમ પુત્રની ક્રુરતાપૂર્વક હત્યા કર્યા બાદ યુવતિનાં પૂર્વ પતિએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પાદરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ડબલ મર્ડર અને આત્મહત્યાની આ ઘટના અંગે વડુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પાદરાનાં ગવાસદ ગામે વચલું ફળિયામાં હૃદયને હચમચાવી નાખે તેવી ઘટનાની મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશનાં યુવક હરિકીશન ઘનસીંગ ગૌડે તેની પૂર્વ પત્નીનાં ઘરે બુધવારનાં રોજ પહોંચી ગયો હતો. પૂર્વ પતિનાં ઘરમાં આવેલો જોઇ યુવતિ કાંઇ કહે તે પહેલા જનુની બનેલી હરિકીશને પત્નીનાં ગળાનાં ભાગે છરીનાં ઘા ઝીંકી દીધા હતા. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પાંચ વર્ષનાં પોતાનાં પુત્રની પણ હત્યા કરી નાખી હતી. બાદમાં આ યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટુંકાવી નાખ્યું હતું. આત્મહત્યા કરનાર હરિકીશનની પત્નીએ ૨૦ દિવસ પહેલાં જ ગવાસદનાં યુવક અરવિંદ સાથે મૈત્રી કરાર કરી પુત્ર સાથે પતિનો ઘર ત્યાગ કરી અરવિંદ સાથે રહેતી હતી. જેથી હરિકિશન ગુસ્સે ભરાયો હતો અને પોતાની પત્ની અને પુત્રની હત્યા કરી નાખી પોતે આત્મહત્યા કરી લીધી હતી. ગઇકાલે ઘરે આવેલા અરવિંદે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ઘરમાંથી કોઇ અવાજ નહીં આવતા આજુબાજુનાં લોકો ભેગા થઇ ગયા હતા. ઘરમાં જઇને જોતા પોતાની પ્રેમીકા અને તેના પુત્રનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. આ બનાવની જાણ વડુ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પો.ઇ. મનોજ સ્વામી ત્રણેવનાં મૃતદેહોને પાદરાના હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. તપાસ આરંભી હતી.