(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે “ડિઝીટલ યુગમાં પત્રકારત્વ સામેના પડકારો’’ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, મીડિયાની ભૂમિકા વંચિત વર્ગોનો અવાજ બનવામાં પ્રશંસનીય છે. છેલ્લાં વર્ષોમાં મીડિયાએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને વિવિધ રાજ્ય અને ભારત સરકારની યોજનાઓને આમજનતા સુધી પહોંચતી કરવામાં સારૂ એવું યોગદાન આપ્યું છે. મીડિયા ટેકનોલોજીનો આ વિકાસ મીડિયાની પહોંચ વધુ વધારશે અને મીડિયાને વધુ લોકતાંત્રિક અને સહભાગી બનાવશે.
જિલ્લા પોલીસ અધિક્ષક સૈારભ સિંઘે જણાવ્યું હતું કે, જેઓ રાત દિવસ અને તડકો-ટાઢ જોયા વગર કામ કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આકાર આપતાં વિવિધ સમાચારો રજૂ કરે છે. સ્વતંત્ર પ્રેસ જીવંત લોકશાહીનો ચોથો પીલ્લર છે. પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને તમામ સ્વરૂપે અભિવ્યક્તિની આઝાદીને સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સૌરભસિંઘે જૂનાગઢનાંમીડિયાકર્મીઓની સરાહના કરતા જણાવ્યું હતું કે જૂનાગઢનું પત્રાકારીત્વ રચનાત્મક અને હકારાત્મક અભિગમ ધરાવે છે.
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઇ ઉપાધ્યાય, ડિઝીટલ યુગે પત્રકારીત્વના પડકારો બાબતે વિચાર ગોષ્ઠીમાં મહત્ત્વના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સમૂહ માધ્યમો શું કરી શકે છે અને એવી સ્થિતિમાં પણ રાષ્ટ્ર-સમાજની સેવા માટે માધ્યમોની ભૂમિકા પડકારરૂપ બનતી હોય છે. તેવા સંજોગોમાં બિલકુલ વિચલિત થયા વગર સાચી પરિસ્થિતિ રજૂ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે. સમાજમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોની ભૂમિકા અમૂલ્ય છે.
કાર્યક્રમમાં ડૉ. હારૂન વિહળે જણાવ્યું કે, તા.૪ જુલાઈ ૧૯૬૬માં ભારમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રેસ પરિષદ ૧૬ નવેમ્બર ૧૯૬૬થી પોતાના વિધિવત કાર્યની શરૂઆત કરેલ હતી. જેની યાદગીરીરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડિઝીટલ યુગે પત્રકાર તરીકે વ્યક્તિની ઘણી વિશાળ જવાબદારીઓ રહેલી છે. પત્રકારો અને સમૂહ માધ્યમ સાથે સંકળાયેલાઓએ કેટલીક બાબતોની કાળજી રાખવી આવશ્યક છે.
કાર્યક્રમનાં પ્રારંભે ઇ.ચા. સિનિયર સબ એડીટર અશ્વિન પટેલે આમંત્રીત અધિકારીઓ અને મીડિયાકર્મી અને તંત્રીઓને આવકારી કાર્યક્રમનો હેતુ રજૂ કર્યો હતો. કાર્યક્રમનાં અંતે નાયબ માહિતી નિયામક રાજુ જાનીએ ઉપસ્થિત મહાનુભાવ અને મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટેક્નીકલ આસી. પી.એસ.ભટ્ટ, અધિક્ષક જેન્તીભાઇ ગઢિયા, સહાયક અધિક્ષક અશોકભાઇ સવસાણી, ભાલચંદ્રવિંઝુડા, સહાયક ધીરૂભાઇ વાજા, બીપીનભાઇ જોષી, હનિફભાઇ બારેજિયા, આસીફભાઇ શેખ સહિત માહિતી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.