અમદાવાદ, તા. ૧૧
ગાંધીનગરમાં ૩૦૦ નાના અખબારોના પત્રકારો, તંત્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા બાદ તમામની અટકાયત કરી હતી. ભાજપ સરકારના ઈશારે પત્રકારો પર દમન ગુજારનાર પોલીસ તંત્ર અંગ્રેજ શાસનને યાદ કરાવે છે. ભાજપ શાસનમાં સતત પત્રકારો પર હુમલા, સરકારી તંત્ર દ્વારા સતત દબાણ-દાદાગીરીએ ભાજપ સરકારની સરમુખત્યારશાહી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સારવાર લીધા બાદ એસજીવીપી હોસ્પિટલથી ઉપવાસ છાવણી જતી વખતે તેનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં તમામ ઉપસ્થિત પત્રકારો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દુર્વ્યહાર કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે બપોરે વિરોધ પ્રદર્શિત કરવા અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા વિવિધ નાના મોટા અખબારના તંત્રીઓ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તૈનાત પોલીસે તેમની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને પત્રકારો વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. પરિણામે સરકારના ઈશારે તમામ મીડિયા કર્મીઓને સેક્ટર ૭ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે પોલીસ અને મીડિયા કર્મીઓ સાથે જે ઘટના બની હતી તેની માહિતી સરકાર પાસે હોવા છતાંય સરકારે ભોગ બનનાર પત્રકારો સાથે કોઈ પણ ચર્ચા કે સમાચાર જાણવા ઉદાસીન ભર્યું વલણ અપનાવ્યું છે. મનાઈ રહ્યું છે કે, પોલીસ અને પત્રકાર એક બીજાના પર્યાય છે. પરંતુ સરકારમાં હાજી…નાજી.. કરવા ટેવાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ સરકારના ઈશારે મીડિયા તેમજ આમ જનતા સામે ફરજિયાત દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. લોકશાહીના ચોથાસ્તંભ પત્રકારો-તંત્રીઓ સાથે જે પ્રકારની ગેરવર્તણૂંક થઈ છે તે અંગે રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે.