(એજન્સી) તા.૨૬
મુંબઈ આધારિત ફ્રી પ્રેસ કલેક્ટિવ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા અહેવાલ અનુસાર ભારતમાં ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં પત્રકારો વિરુદ્ધ ગુનાઈત કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. તેના લીધે ભારતમાં વાણી સ્વતંત્રતાની બંધારણીય આઝાદી પર પણ માઠી અસર જોવા મળી છે. આ અહેવાલ બિહાઈન્ડ બાર્સ : અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઓફ જર્નાલિસ્ટ ઈન ઈન્ડિયા ૨૦૧૦-૨૦૨૦ નામે રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં દાયકા દરમિયાન પત્રકારોની કરાયેલી અટકાયત, ધરપકડ, તેમને પાઠવાયેલા સમન્સ, પુછપરછ તથા શો કોઝ નોટિસ જેવા તમામ મામલાઓને આવરી લઈને તેનું આકલન કરવામાં આવ્યું હતું. ૩૩ પાનાના રિપોર્ટમાં જણાવાયું કે છેલ્લાં એક દાયકા દરમિયાન ભારતમાં ૧૫૪ જેટલા પત્રકારોની ધરપકડ, અટકાયત, પુછપરછ કે તેમની શૉ કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. આ તમામ પ્રોફેશનલ વર્ક સંબંધિત હતા અને તેમાંથી ૪૦ ટકા જેટલી ઘટનાઓ ૨૦૨૦માં જ બની હતી. અહેવાલ અનુસાર નવ તો વિદેશી પત્રકારો હતા જેમને દેશનિકાલા જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમની પણ ધરપકડ કર્યા બાદ પૂછપરછ, અટકાયત જેવી ઘટનાઓ બની હતી. ફ્રી પ્રેસ કલેક્ટિવે જણાવ્યું કે ૨૦૨૦નું વર્ષ ભારતમાં પત્રકારો માટે સૌથી ખરાબ વર્ષ પૈકી એક સાબિત થયું છે.
Recent Comments