(એજન્સી) તા.૨૯
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે અને ઝફર આગા જેવા છ વરિષ્ઠ પત્રકારો સામે દાખલ કરેલી એફઆઈઆરની આકરી ટીકા કરી હતી. પ્રજાસત્તાક દિનના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ અને તે દરમિયાન થયેલી હિંસા અંગે અહેવાલનું કવરેજ કરવા બદલ આ પત્રકારો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ગિલ્ડે એફઆઈઆરને “ધાકધમકી આપવી, પજવણી કરવી અને દબાણ કરવાનો પ્રયાસ ગણાવી હતી. તેમણે એવી પણ માંગણી કરી છે કે, આ એફઆઈઆર તાત્કાલિક ધોરણે પાછી ખેંચી લેવામાં આવે અને મીડિયાને કોઈ પણ પ્રકારના ભય વગર મુક્તપણે રિપોર્ટ કરવાની છૂટ આપવામાં આવે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક આંદોલનકારીની મૃત્યુ સંબંધિત ઘટનાનું કવરેજ કરવા, ઘટનાક્રમની માહિતી તેમના અંગત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને તેમના પ્રકાશનો સુધી પહોંચાડવા બદલ આ પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગિલ્ડે કહ્યું એ નોંધનીય છે કે દેખાવ અને કાર્યવાહીના દિવસે ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શી અને પોલીસ પાસેથી ઘણી માહિતી મળી હતી. છેવટે પત્રકારો માટે આ સ્વાભાવિક વાત હતી કે તેઓ આ જાણકારીઓનું રિપોર્ટિંગ કરે. આ પત્રકારત્વના સ્થાપિત નિયમોને ધ્યાનમાં રાખીને હતું. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ પોલીસને ડરાવવા-ધમકાવવાની રીતની આકરી ટીકા કરે છે. જેમણે ખેડૂતોની રેલીઓ અને હિંસાનું રિપોર્ટિંગ કરવા બદલ વરિષ્ઠ સંપાદકો તથા પત્રકારો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી. ગિલ્ડે કહ્યું કે આ એફઆઈઆરમાં આરોપ મૂકાયો હતો કે પત્રકારોના ટિ્‌વટ દુર્ભાવનાપૂર્ણ હતા અને લાલ કિલ્લા પર ઉપદ્રવનું કારણ બની.